વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ફરી એકવખત આ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે ,
ભાજપ માટે નાકનો સવાલ છે તો કોંગ્રેસ ફરી આ બેઠક જીતીને પોતાનું વર્ચસ્વ વધારવા માંગશે. ચાલો જાણીએ ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ માટે કોના નામની ચર્ચા થઈ રહી છે.

કેન્દ્રીય ચૂંટણીપંચે ગઈકાલે (15 ઓક્ટોબર) ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી હતી, ત્યારે વાવમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કાર્યકર્તાઓએ જીત માટેનો દાવો શરુ કરી દીધો છે. આ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે. આ બેઠક ભાજપ માટે નાકનો સવાલ છે તો કોંગ્રેસ ફરી આ બેઠક જીતીને પોતાનું વર્ચસ્વ વધારવા માંગશે.
બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો આ જિલ્લામાં દૂધની નદી વહેતી એવુ કહીએ તો જરા પણ ખોટું રહેશે નહીં. બનાસવાસીઓ રોજના 90 લાખ લીટરથી વધુ દૂધ ઉત્પાદન કરે છે. આ જિલ્લો ખેતી અને પશુપાલક ક્ષેત્રે આગળ છે. આ બેઠક રાજકારણમાં પણ આગવું સ્થાન ધરાવે છે. અહીં મતદારો ભલભલાનું ગણિત બગાડી નાખે છે. આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ મહત્વની છે. ખાલી પડેલી વાવ બેઠક પર કોંગ્રેસ અને ભાજપમાંથી કોને ટિકિટ મળે તે માટે અત્યારથી જ લોબિંગ શરુ થઈ ગયું છે. જો કે કોંગ્રેસ અને ભાજપમાંથી કેટલાક નામોની ચર્ચા વધુ થાય છે જેઓ ટિકિટના દાવેદાર ગણાય છે.
બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બેઠક એટલે કે, વાવ વિધાનસભા બેઠક. આ બેઠક કોંગ્રસનો ગઢ ગણાય છે. જ્યાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને હાર આપી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત દર્જ કરાવી હતી. પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ગેનીબેનને રાજકીય મેદાને ઉતાર્યા હતા અને જેમાં તેમણે જીત મેળવતા તેમણે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. જેને લઈ આ બેઠક ખાલી પડેલી હતી.
વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ત્રણ ઉમેદવારોના નામની ચર્ચા જોરમાં છે. જે ત્રણ નામોમાં પ્રથમ નામ કે.પી.ગઢવી, બીજુ નામ ગુલાબસિંહ રાજપૂત અને ત્રીજુ નામ છે ઠાકરશીભાઈ રબારી. આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમજાના છે, પરંતુ ગેનીબેનની જીત પછી કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને તેમની જીતની વેવને ફરી એનકેશ કરવા પર વધુ ભાર આપી શકે છે. જિલ્લામાં ચાલેલી ગેનીબેનની લહેર અને વાવ બેઠક પર કોંગ્રેસે રચેલો જીતનો ઈતિહાસ કોંગ્રેસના મૌવડી મંડળ મોખરે જોશે.
વાવ બેઠક પર કોંગ્રેસ છેલ્લી બે વિધાનસભા ચૂંટણીથી જીતી રહી છે એટલે ભાજપ આ બેઠક કોઈપણ ભોગે જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભાજપ માટે આ બેઠક સાખનો સવાલ છે. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન સાંસદ બનતા ગુજરાત ભાજપના 26માંથી 26 બેઠક પર હેટ્રિક મારવાનું ભાજપનું સપનું રોળ્યું છે. એટલે ભાજપ આ બેઠક પર જીતીને બદલો પણ લઈ શકે છે. જો કે ભાજપ માટે આ બેઠક જીતવી કપરા ચઢાણ છે. ભાજપની વાત કરીએ તો વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે સ્વરૂપજી ઠાકોર, મુકેશ ઠાકોર અને પરબત પટેલના પુત્ર શૈલેષ ચૌધરી ટિકિટિ માટે સૌથી વધુ દાવેદાર ગણવામાં આવે છે. તો બીજી તરફ કરસનજી ઠાકોર, લાલજી પટેલ, રજની પટેલ, ગજેન્દ્રસિંહ રાણા પણ નામની પણ ચર્ચામાં છે. જો કે ટિકિટનો અંતિમ ફેસલો ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં થશે.
ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને જ મેદાને ઉતાર્યા હતા. જો કે તે વખતે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે ભાજપ આ બેઠક પર તેમને રિપિટ કરશે કે કોઈ નવા ચહેરાને તક આપશે તે જોવાનું રહેશે.
ભાજપના મુકેશ ઠાકોરની વાત કરવામાં આવે તો તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ માટે ખૂબ જ મહેનત કરી હતી. આ ઉપરાંત તેઓ શંકર ચૌધરીના નજીકના હોવાનું કહેવાય છે. આ એ જ બેઠક છે જ્યાંથી શંકર ચૌધરી 2012માં વિજેતા બન્યા હતા. આ કારણે પણ ભાજપ આ વખતે મુકેશ ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવાથી મુકેશ ઠાકોરને સમાજનો લાભ મળી શકે છે.
ભાજપમાંથી વાવ બેઠક પર મુકેશ ઠાકોર સિવાય શૈલેષ ચૌધરી પણ દાવેદાર છે. શૈલેષ ચૌધરી 2007 વિધાનસભા બેઠક પર વિજેતા ઉમેદવાર પરબત પટેલના પુત્ર છે અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે. તેમનું ચૌધરી સમાજમાં મોટું નામ છે. વાવ બેઠક પર ઠાકોર બાદ બીજા નંબર પર ચૌધરી સમાજ આવે છે એટલે વાવ બેઠક માટે શૈલેષ ચૌધરીના નામની ચર્ચા પણ થઈ રહી છે.
વિધાનસબા 2022ના પરિણામની વાત કરીએ તો કોંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને ફક્ત 86,912 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેનીબેન વાવ વિધાનસભા અને ત્યારબાદ બનાસકાંઠામાંથી લોકસભા બેઠક જીતી ગયા હોવાથી આ બેઠક ગેનીબેનનો ગઢ બની ગઈ છે અને છેલ્લા બે વખતથી વાવ વિધાનસભા બેઠક કોંગ્રસ પાસે છે. આ વખતે ભાજપ કોંગ્રેસના અને ખાસ કરીને ગેનીબેનના ગાબડું પાડવાની તૈયારી સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. હાલ છેલ્લી બે વિધાનસભાના પરિણામ અને 2024ના લોકસભા ચૂંટણીના પરિણામ જોતા કોંગ્રેસનો હાથ ઉપર છે. જો કે ભાજપ હાલમાં જ હરિયાણા વિધાનસભામાં જીત મેળવીને સૌને ચોંકાવ્યા હતા. તેવી જ રીતે આ બેઠક પર પણ કોંગ્રસને ઝટકો આપી શકે છે.