ભારત-પાકિસ્તાનના સંબંધોમાં નવો વળાંક : મોદી-શરીફ નવેમ્બરમાં અજરબૈજાનમાં મળશે તે સમયે વાતચીત આગળ વધવાની શકયતા: ત્રાસવાદ મુદે ભારતનું વલણ અફર
ઈસ્લામાબાદમાં એસ.જયશંકર - ઈશાક ડારની ઔપચારીક વાતચીત: પાક. ક્રિકેટ બોર્ડના વડાની પણ હાજરી : દ્વીપક્ષી ક્રિકેટ - ચેમ્પીયન ટ્રોફીની મડાગાંઠ ઉકેલવા પાકની આજીજી

કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરની 24 કલાકની ઈસ્લામાબાદ મુલાકાત છેલ્લા 10 વર્ષથી ઠંડા બકસામાં ધકેલાઈ ગયેલા ભારત-પાકિસ્તાનના સંબંધોમાં નવો વળાંક લાવી શકે છે.
શાંધાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ઈસ્લામાબાદ ગયેલા શ્રી એસ.જયશંકરે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈ દ્વીપક્ષી મંત્રણા માટે જતા નથી અને બન્ને દેશો વચ્ચે કોઈ સીધી વાતચીત થશે નહી. હજુ ગઈકાલે જ તેઓએ ‘વિશ્વાસ’નું વાતાવરણ જરૂરી હોવાનું દર્શાવીને એક એવો સંદેશ પણ મોકલી આપ્યો હતો કે ત્રાસવાદ અને સંવાદ બંને સાથે સાથે ચાલી શકશે નહી.
પરંતુ ટાઈમ્સ ઓફ ઈન્ડીયા એક ખાસ રિપોર્ટ મુજબ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં એક ડગલું આગળ વધવા તૈયારી છે. 9 વર્ષ બાદ ભારતના કોઈ વિદેશ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. શ્રી જયશંકરે પરત આવતા સમયે એવો સંકેત આપ્યો હતો કે જયાં સુધી ભારત-પાક સંબંધોની બાબત છે તો પાક તરફથી હકારાત્મક કે નકારાત્મક જે કંઈ સંકેત આવશે.
તો તેનો તે જ રીતે જવાબ અપાશે. શ્રી જયશંકરે તેમની મહેમાનગતી બદલ પાકના વિદેશમંત્રીનો પણ આભાર માન્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ બન્ને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે કોઈ સીધી વાતચીત થઈ નથી પરંતુ વિદેશમંત્રી એસ.જયશંકર અને પાક વિદેશમંત્રી ઈશાક દાર વચ્ચે 5થી7 મીનીટની ચર્ચા થઈ હતી.
આ આયોજન માટે પહોંચેલા વિદેશી મહેમાનો માટે પાક વડાપ્રધાન શાહબાઝ શરીફ એ જે ડીનર યોજયું હતું. તે સમયે બન્ને વિદેશમંત્રીઓએ થોડી મીનીટ અલગથી વાતચીત કરી અને તેમાં પાક ક્રિકેટ બોર્ડના મોહસીન નકવી પણ જોડાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ પાક તરફથી બન્ને દેશો વચ્ચે ક્રિકેટના સંબંધો ફરી શરૂ થાય તે માટે આગ્રહ રાખવામાં આવ્યો હતો. ખાસ કરીને ચેમ્પીયન ટ્રોફી રમવા ભારતની ટીમ પાકિસ્તાન આવે તે માટે પાકે ખાસ આગ્રહ રાખ્યો હતો. પાક માટે ચેમ્પીયન ટ્રોફીની યજમાની ભારતની ટીમ આ દેશનો પ્રવાસ ન કરે તો સ્પર્ધાનો ચાર્મ રહે નહી તે નિશ્ચિત છે.
જો કે જયશંકરે જાહેરમાં પાકને અનેક વખત લતાડયુ છે અને ગઈકાલે પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો. પરંતુ જે રીતે લંચ-ડીનર બેઠકોમાં દ્રશ્યો જોવા મળ્યા તે સૂચક છે. ગઈકાલે લંચ સમયે પણ બન્ને વિદેશમંત્રીઓની બેઠક વચ્ચે અંતર હતું પણ અંતિમ ઘડીએ બન્ને બાજુ બાજુમાં બેઠા હતા અને વાતચીત કરતા હતા.
બીજા એક સંકેતમાં નવેમ્બર માસમાં કોપ-29 પર્યાવરણ સંબંધીત સંગઠન કોન્ફરન્સ ઓફ પાર્ટી, અજરબૈજાનના પાટનગર બાકુમાં યોજાઈ રહી છે અને તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાક વડાપ્રધાન શાહબાઝ શરીફ મળશે.
જો કે ભારતે આ અગાઉ પણ એક ડિપ્લોમેટીક સંદેશામાં સ્પષ્ટ કર્યુ છે કે, કાશ્મીરમાં કલમ 370ની નાબુદીના વિરોધમાં પાકે નવી દિલ્હીમાં તેના દૂતાવાસને બંધ કર્યુ છે તે ફરી બોલે તે પ્રથમ શરત છે.
આ ઉપરાંત પાકના એક મંત્રી અહસીન ઈકબાલે એક ભારતીય પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાક ઈચ્છે છે કે બન્ને દેશો લાહોર સમજુતી પર પરત ફરે અને બન્ને દેશો એકબીજાના મામલામાં દખલ કરે નહી. આ કરાર વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાઈ નવાઝ શરીફ જયારે પાક વડાપ્રધાન હતા.
તે સમયે ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની લાહોર મુલાકાત સમયે થયો હતો. જો કે તે સમયે જ પાકના સૈન્ય વડા અને બાદમાં શાસક બનેલા જનરલ મુશર્રફ જે રીતે કારગીલ કાંડ સર્જયા તેથી બન્ને દેશોના સંબંધો બગડયા હતા.