શેખ હસીનાની મુશ્કેલીઓ વધી : બાંગ્લાદેશની એક અદાલતે શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.
બાંગ્લાદેશના ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલના ચીફ પ્રોસિક્યુટર મોહમ્મદ તાજુલ ઈસ્લામે આ ધરપકડ વોરંટ વિશે માહિતી આપી હતી

બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ 5 ઓગસ્ટે દેશના પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને પોતાની બહેન શેખ રેહાના સાથે બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા હતા. શેખ હસીનાને બાંગ્લાદેશની સેના તરફથી 45 મિનિટમાં દેશ છોડવાનું અલ્ટીમેટમ મળ્યું હતું અને આ પછી તેણે તરત જ રાજીનામું આપી દેશ છોડી દીધો હતો.
અગાઉ તેણે લંડન જવાની યોજના બનાવી હતી, પરંતુ બ્રિટિશ સરકાર તરફથી લીલી ઝંડી ન મળવાને કારણે શેખ હસીના તેની બહેન સાથે ભારતમાં જ રોકાઈ શરણ લીધો હતો. પરંતુ આ દરમિયાન શેખ હસીનાની મુશ્કેલીઓ વધી ગઈ છે. બાંગ્લાદેશની એક કોર્ટે આજે એક ચુકાદો આપ્યો છે જે શેખ હસીનાને આંચકો આપી શકે છે.
બાંગ્લાદેશની એક અદાલતે આજે, ગુરુવાર, ઑક્ટોબર 17, શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. બાંગ્લાદેશના ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલના ચીફ પ્રોસિક્યુટર મોહમ્મદ તાજુલ ઈસ્લામે આ ધરપકડ વોરંટ વિશે માહિતી આપી હતી. આ આદેશ અનુસાર શેખ હસીનાએ 18 નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનું છે.