એકસાથે 7 રાજ્યોમાં તોફાની પવન સાથે મેઘરાજા ત્રાટકશે, તો ક્યાંક થશે હિમવર્ષા ,
આવનાર થોડા દિવસોમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થશે, બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે અનેક રક્યોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

દેશમાંથી ધીરે ધીરે ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને હવે શિયાળો શરૂ થઈ રહ્યો છે, એવામાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે ફરી એક ચક્રવાતની સંભાવના છે, જેના કારણે લોકોએ સાવચેત રહેવું જોઈએ. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ખાસ કરીને 23 અને 24 ઓક્ટોબરની આસપાસ ચક્રવાતી ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે.
અત્યારે દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં વધઘટ જોવા મળી રહી છે. ક્યારેક હળવી ઠંડીનો અહેસાસ થાય છે તો ક્યારેક સૂર્યપ્રકાશ ગરમીનો અહેસાસ કરાવે છે. ઓક્ટોબર મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ વધી રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના છે.
ઉત્તર ભારતમાં હવામાન ચોખ્ખું રહેશે, પરંતુ આગાહી અનુસાર, 24 ઓક્ટોબરની આસપાસ પાકિસ્તાનમાંથી ઉત્તર પશ્ચિમી પવન ભારતમાં પ્રવેશ કરશે. જેના કારણે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થશે. જ્યારે હરિયાણા, પંજાબ, ચંદીગઢ જેવા મેદાની રાજ્યોમાં ઠંડા પવનો ફૂંકાશે.
બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે લો પ્રેશર સર્જાશે, જેના કારણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બંગાળ, ઓડિશા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં તોફાની પવન અને ભારે વરસાદનું એલર્ટ છે અને એ બાદ આ રાજ્યોમાં ઠંડી વધશે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આજે કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે. આ સાથે જ મેઘાલયના 3 જિલ્લામાં વીજળી અને તોફાનનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આંધ્રપ્રદેશમાં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે.