સંજય જોષી બાદ વધુ એક વરિષ્ઠ નેતાની ઘરવાપસી શક્ય બનશે : VHP ના પૂર્વ નેતા પ્રવિણ તોગડીયા ફરી સંઘમાં સક્રિય :
હિન્દુઓમાં રાજકીય વર્તુળોની વિશ્વસનીયતા સામે પ્રશ્ર્ન સર્જાયો હતો: તોગડીયા ,

લોકસભા ચૂંટણી પૂર્વે હવે ભાજપ અને સંઘ પરિવાર વચ્ચે ફરી એક વખત સમાધાનના સંકેત છે અને સંઘ પરિવાર છોડી ગયેલા જુના જોગીઓને પણ પરત પરિવારમાં લાવવાની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે જેમાં એક સમયે વિશ્વ હિન્દુ પરિષદના ફાયરબ્રાન્ડ ગણાતા નેતા પ્રવિણ તોગડીયા પણ હવે હિન્દુ એકતા માટે સંઘ સાથે કામ કરશે.
એક સમયે વિશ્વ હિન્દુ પરિષદમાં આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકેની કામગીરી પણ બજાવી ગયેલા તોગડીયા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત વચ્ચે રવિવારે એક મુલાકાત થઇ હતી અને તેમાં તોગડીયાને ફરી એક વખત સંઘ પરિવારમાં સક્રિય થવા માટે ભાગવતે આમંત્રણ આપ્યું હતું અને તોગડીયા પણ સહમત થઇ ગયા હતા.
અગાઉ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મતભેદોથી તોગડીયા વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થઇ ગયા હતા અને પોતાની અલગ સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરી હતી.
જો કે તેઓ તેમાં બહુ સફળ થયા ન હતા. એક સમયે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખભેખભા મીલાવીને ગુજરાતમાં કામ કરનાર પ્રવિણ તોગડીયા બાદમાં અસંતુષ્ઠ ગણાયા હતા અને રામ મંદિર સહિતના નિર્માણમાં તેઓની ભૂમિકા હોવા છતાં પણ બહુ મહત્વ અપાયું ન હતું.
બીજી તરફ તોગડીયાએ સંઘ વડા સાથેની બેઠકમાં એવું કહ્યું હતું કે હિન્દુઓ રાજકીય રીતે કોઇનો ભરોસો કરતા નથી. જેઓએ રામ મંદિર ચળવણમાં સાથ આપ્યો હતો તેઓ એવું માને છે કે રાજકીય વર્તુળોની વિશ્વસનીયતા સામે પ્રશ્ર્ન ઉઠ્યા છે અને તે ચેક કરવા જરુરી છે. શ્રી તોગડીયાનું સંઘમાં અને પરિવારમાં ફરી સક્રિય થવું પણ સુચક છે.
હાલમાં જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેના ચહેરાઓની ચર્ચામાં સંજય જોષીનું નામ પણ આગળ આવ્યું હતું. જેઓ પણ મુળ ગુજરાતના છે અને અગાઉ મોદીની સાથે જ ભાજપમાં કામ કરી ચૂક્યા છે.
પરંતુ બાદમાં તેઓ પણ સાઇડ લાઇન થયા હતા અને તેઓ ફરી ભાજપમાં એન્ટ્રી કરી શકે તેવી શક્યતા પણ છે તે વચ્ચે ભાગવત અને તોગડીયાની મુલાકાત પણ સૂચક છે અને આગામી દિવસોમાં નવા સમીકરણો પણ સર્જી શકે છે.