છેલ્લા કેટલાય દિવસોથી વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો વધી રહ્યો છે : એક જ દિ’માં 12 વિમાનોને ઉડાવી દેવાની ધમકી
અકાસા અને ઇન્ડીંગોની પાંચ-પાંચ ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઉપરાંત આજે વિસ્તરા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના એક વિમાનને આવી ધમકીઓનો સામનો કરવો પડ્યો છે.
છેલ્લા કેટલાય દિવસોથી વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો વધી રહ્યો છે. મોટાભાગના કેસમાં આ ધમકી બોગસ બહાર આવી છે ત્યારે કોઇ અસામાજિક તત્વો દ્વારા ગભરાટ ફેલાવવા આવું તરકટ ચલાવવામાં આવતું હોવાની શંકા પેદા થાય છે. એરપોર્ટ ઓથોરિટી અને લોકોને ધંધે લગાડનાર આવા તત્વોને જેર કરવા જરૂર બની જાય છે, દરમિયાન આજે ડઝનબંધ વિમાનોમાં બોમ્બની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. સતત મળી રહેલી આવી ધમકીઓ બાદ સુરક્ષા એજન્સીઓ એલટ4 બની ગઇ છે. આજે એર ઇન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ તે જયપુરમાં ઇમર્જન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.
આ અંગે વધુમાં જાણવા મળતી મુજબ આ જ અકાસા અને ઇન્ડીંગોની પાંચ-પાંચ ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઉપરાંત આજે વિસ્તરા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના એક વિમાનને આવી ધમકીઓનો સામનો કરવો પડ્યો છે.
આજે દુબઇ-જયપુર એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને વહેલી સવારે બોમ્બની ધમકી મળતા તેનું ઇમર્જન્સી લેન્ડીંગ કરાવાયું હતું. જો કે તપાસમાં આ ધમકી અફવા સાબિત થઇ હતી.
આ વિમાનમાં કુલ 189 યાત્રીઓ સવાર હતા. તો દિલ્હીથી લંડન જતાં વિસ્તારોની એક ફ્લાઇટને પણ બોમ્બની ધમકી મળી હતી. ત્યારબાદ ફ્લાઇટને ફ્રેન્કફર્ટ ડાયવર્ટ કરાઇ હતી. અનિવાર્ય સુરક્ષા તપાસ બાદ વિમાનને લંડન રવાના થયું હતું.



