ભાજપના રાષ્ટ્રીય પ્રમુખપદ માટે હવે મનોહરલાલ ખટ્ટરનું નામ ચર્ચામાં ,
હરિયાણાના પુર્વ મુખ્યમંત્રી ‘સંતુલિત’ અભિગમ ધરાવતા હોવાનું મંતવ્ય: જો કે મહામંત્રીપદે સંજય જોષીને ભાજપ નેતૃત્વ સ્વીકાર્ય ગણે કે કેમ તે પ્રશ્ર્ન
ભાજપની રાષ્ટ્રીય સંગઠન રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પક્ષ દ્વારા એક તરફ વોર્ડ કક્ષાએથી સંગઠનમાં ફેરફાર કરશે તો બીજી તરફ રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રક્રિયા હાથ ધરાશે અને તેમાં હવે રાષ્ટ્રીય પ્રમુખની રેસમાં હરિયાણાના પુર્વ મુખ્યમંત્રી તથા હાલ કેન્દ્રીય કેબીનેટ મંત્રી તરીકે કામગીરી બજાવી રહેલા સીનીયર નેતા મનોહરલાલ ખટ્ટરનુ નામ પણ ચર્ચામાં જોડાયુ છે.
હરિયાણામાં ભાજપના ભવ્ય વિજય બાદ ખટ્ટર ફરી લાઈમલાઈટમાં આવી ગયા છે અને તેઓ સંઘ સાથે પણ જોડાયેલ છે તથા મોદી-શાહની જોડીને પણ ખટ્ટરના નામ સામે કોઈ વિરોધ નહી હોય તેવું માનવામાં આવે છે.
ભાજપના બંધારણ મુજબ 50%થી વધુ રાજયોમાં પ્રદેશ પ્રમુખ સહિતના સંગઠનની રચના થઈ ગયા બાદ રાષ્ટ્રીય સંગઠન રચાઈ શકે છે અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી થશે તેવું માનવામાં આવે છે તો પક્ષમાં મહામંત્રી તરીકે ફરી એક વખત સંજય જોષીનું નામ ચગ્યુ છે.
જો કે જોષીને ફરી ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વના હોદા પર બેસાડવામાં ભાજપ નેતૃત્વ પસંદ કરશે કે કેમ તે પ્રશ્ર્ન છે. ઉપરાંત હરિયાણાના પરિણામોએ ફરી મોદી-શાહનું વર્ચસ્વ સ્થાપી દીધુ છે તેથી હવે તેમની સ્વીકાર્યતા મહત્વની બની જશે.
ગુજરાતમાં પાંચ ધારાસભા બેઠક પરથી પેટાચૂંટણી જે તા.13 નવેમ્બરના યોજાવાની છે તેમાં ભાજપે સેન્સ મેળવી લીધી છે અને હવે આવતીકાલે ઉમેદવારની જાહેરાત કરે તેવી ધારણા છે. ભાજપે મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને નિરિક્ષક તરીકે મોકલ્યા હતા અને તેઓએ દાવેદારો અને સંબંધીતોને સાંભળ્યા હતા તથા તેમનો રિપોર્ટ પ્રદેશ પ્રમુખને સુપ્રત કર્યા છે.
બનાસકાંઠાના પક્ષના અગ્રણીઓ સાથે ચર્ચા કરાયા બાદ કાલે દિલ્હીથી પક્ષના ઉમેદવારની જાહેરાત થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી જઈ રહ્યા છે અને તેઓ અન્ય એજન્ડાની સાથે પાંચ બેઠક અંગે પણ ચર્ચા કરશે. આ બેઠક 2021ની ધારાસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીતી હતી અને 2024માં તેઓ બનાસકાંઠા લોકસભા બેઠક જીતતા પાંચ બેઠક ખાલી કરી હતી અને હવે તા.13 નવેમ્બર અહી પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે બન્ને પક્ષો માટે આ બેઠક પડકાર જેવી બની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના ઉમેદવાર અંગે કોઈ સંકેત મળ્યા બાદ કોંગ્રેસ તેના ઉમેદવારની જાહેરાત થશે.



