ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખના નામ અંગે ચર્ચા વચ્ચે યોગી – ભાગવતની બેઠક મહત્વની: ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણી પણ એજન્ડા હોવાની ચર્ચા
મથુરામાં સંઘ વડા મોહન ભાગવતને મળતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ: ચાર માસમાં બીજી મુલાકાત ,

દેશમાં ફરી એક વખત ધારાસભા અને અનેક રાજ્યોની પેટા ચૂંટણીઓ યોજાઇ રહી છે. તે સમયે ગઇકાલે મથુરામાં આરએસએસના વડા મોહન ભાગવત અને ઉ.પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ લગભગ એક કલાક સુધી બંધ બારણે બેઠકો કરતાં ફરી એક વખત ભાજપમાં ચર્ચા સર્જાઇ છે.
ચાર મહિનામાં ભાગવત અને યોગીની આ બીજી મુલાકાત છે. અગાઉ મોહન ભાગવત ગોરખપુર ગયા તે સમયે તેઓને મળવા યોગી પહોંચ્યા હતા અને ગઇકાલે પણ આરએસએસની પ્રતિનિધિ સભાની બેઠક દરમ્યાન યોગી અને ભાગવત વચ્ચે ચર્ચા થઇ હતી.
ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીની ચર્ચા છે અને બીજી તરફ ઉત્તર પ્રદેશમાં હવે 9 ધારાસભા બેઠકોની પેટા ચૂંટણી આવી રહી છે જે યોગી માટે મહત્વની છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખમાં જેનું નામ એક સમયે બોલાતું હતું તે કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના તમામ વિભાગો વચ્ચે સંકલન અને મોનીટરીંગ જેવી મહત્વની જવાબદારી સોંપતા હવે તેમનું નામ ચર્ચામાં નથી. ત્યારે સંઘને સ્વીકાર્ય હોય તેવા નામ અંગે પણ અટકળો ચાલુ છે.