સોમનાથના વિખ્યાત મંદિર પાસેની સરકારી જમીનોમાં થયેલા દબાણ હટાવાયા બાદ :સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારની ખાતરી: આગામી સુનાવણી સુધી થર્ડ પાર્ટીને નહી સોંપવાની શરત સ્વીકારાઈ
સુપ્રીમકોર્ટ હાલમાં જ બુલડોઝર કામગીરી પર આપેલા ‘સ્ટે’ સંદર્ભમાં આ અરજી કરવામાં આવી છે. આ અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર હાઈકોર્ટે કોઈ સ્ટે કે યથાવત સ્થિતિ જાળવી રાખવા મુદે આદેશ આપ્યો ન હતો જેની સામે અરજદારે સુપ્રીમમાં ગયા હતા.

સોમનાથના વિખ્યાત મંદિર પાસેની સરકારી જમીનોમાં થયેલા દબાણ હટાવાયા બાદ આ અંગે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા વિવાદમા આજે રાજય સરકારે ખાતરી આપી હતી કે દબાણ બાદ ખુલ્લી કરાવાયેલી જમીન આગામી સુનાવણી સુધી કોઈ ત્રીજા પક્ષને સોપાશે નહી. આ ડીમોલીશનને પડકારતી રીટ અરજી મુસ્લીમ પક્ષકારોએ સુપ્રીમમાં કરી છે.
ખાસ કરીને સુપ્રીમકોર્ટ હાલમાં જ બુલડોઝર કામગીરી પર આપેલા ‘સ્ટે’ સંદર્ભમાં આ અરજી કરવામાં આવી છે. આ અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર હાઈકોર્ટે કોઈ સ્ટે કે યથાવત સ્થિતિ જાળવી રાખવા મુદે આદેશ આપ્યો ન હતો જેની સામે અરજદારે સુપ્રીમમાં ગયા હતા.
સમસ્ત પટણી મુસ્લીમ જમાત દ્વારા આ અરજી કરવામાં આવી છે. તેમના વતી સીનીયર ધારાશાસ્ત્રી કપીલ સીબ્બલ રોકાયા છે. તેઓએ દલીલ કરી કે સરકારી જમીન પર જે મંદિર ઉભુ છે તેને તોડી પડાયુ નથી પણ દરગાહ તોડી પડાઈ છે.
તેઓએ એવી પણ દલીલ કરી કે સમીતી નજીક હોવાથી આ ડીમોલીશન થયું છે પણ દરગાહ એ હેરીટેજ કક્ષાની હતી તે તથા કબ્રસ્તાનને બુલડોઝરના શિકાર બનાવાયા છે. જો કે ગુજરાત સરકાર વતી રજુ થયેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કપીલ સિબ્બલની આ દલીલો ફગાવી હતી. અને જણાવ્યું કે ફકત જાહેર સરકારી જમીન પરનું દબાણ હટાવાયુ છે.
ઉપરાંત તે કોઈ રક્ષીત સ્મારક ન હતું અને સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આ તકે અરજદાર વતી રજુ થયેલા એડવોકેટ હુઝેફા અહમદીએ દાવો કર્યો કે 1903માં આ જમીન અગાઉના રાજાએ સુપ્રત કરી હતી અને વકફ દ્વારા તેને રક્ષિત સ્મારક જાહેર કરાયું હતું.
આ તકે ન્યાયમૂર્તિ સી.આર.ગવઈની ખંડપીઠે આગામી સુનાવણી સુધી આ જમીન કોઈ થર્ડ પાર્ટીને સુપ્રત નહી કરવા જણાવતા ગુજરાત સરકાર વતી રજુ થયેલા ધ સોલીસીટર જનરલ શ્રી તુષાર મહેતાએ સ્વીકાર્યુ હતું.