UNમાં ભારતે પાકિસ્તાનની ટીકા કરી,પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે એ દેશમાં દર વર્ષે 1000 મહિલાઓનું શોષણ થાય છે
પાકિસ્તાને જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કર્યો તો ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે જડબાતોડ જવાબ આપી દીધો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં વાર્ષિક ચર્ચા દરમિયાન પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરીને ભારત વિરુદ્ધ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો. ભારતે પાકિસ્તાનના આ પ્રયાસને વખોડી કાઢીને જડબાતોડ જવાબ આપી દીધો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત પાર્વથાનેની હરીશે જવાબ આપવાના તેમના અધિકારનો ઉપયોગ કર્યો. પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, તે દેશનો આ પ્રયાસ નિંદનીય છે, પરંતુ તેનું સંપૂર્ણપણે અનુમાન લગાવી શકાય છે. તેમણે કહ્યું કે એક પ્રતિનિધિમંડળે તેની અજમાવેલી રણનીતિના આધારે તોફાની ઉશ્કેરણીમાં સામેલ થવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
પાર્વથાનેનીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર જેવા વૈશ્વિક મંચ પર મહિલાઓની ભૂમિકા પર થઈ રહેલી મહત્ત્વપૂર્ણ વાર્ષિક ચર્ચા દરમિયાન રાજકીય પ્રચારમાં સામેલ થવું સંપૂર્ણપણે ખોટું છે. તેમણે કહ્યું, અમે જાણીએ છીએ કે તે દેશમાં લઘુમતી સમુદાયની મહિલાઓની, ખાસ કરીને હિંદુઓ, શીખો અને ખ્રિસ્તીઓની સ્થિતિ દયનીય છે. તે દેશના માનવાધિકાર આયોગના ડેટા અનુસાર, આ લઘુમતી સમુદાયોની લગભગ 1000 મહિલાઓ દર વર્ષે અપહરણ, બળજબરીથી ધર્મ પરિવર્તન અને બળજબરીથી લગ્નનો શિકાર બને છે.
પાકિસ્તાનને અરીસો બતાવવા ઉપરાંત રાજદૂત હરીશે ભારતમાં મહિલાઓની ભૂમિકાને રેખાંકિત કરી. તેમણે જણાવ્યું કે ભારતે મહિલા સશક્તિકરણમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે, ખાસ કરીને શાંતિ સ્થાપના અને રાજકીય પ્રતિનિધિત્વના ક્ષેત્રોમાં. તેમણે કહ્યું કે ભારતે મહિલા, શાંતિ અને સુરક્ષા (WPS) એજન્ડાને લાગુ કરવામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે. યુએન પીસકીપીંગમાં પાંચમા સૌથી મોટા સૈન્ય ફાળો આપનાર તરીકે, ભારતે પ્રથમ વખત તમામ મહિલા સૈનિકો તૈનાત કર્યા છે.
તેમણે કહ્યું કે ભારતે 2007માં લાઇબેરિયામાં પ્રથમ મહિલા પોલીસ યુનિટ તૈનાત કરી, જે યુએન પીસકીપિંગમાં એક ઉદાહરણ છે. તેમના કામને લાઇબેરિયા અને સંયુક્ત રાષ્ટ્રમાં ખૂબ પ્રશંસા મળી. વર્તમાનમાં અમે અમારા પીસકીપીંગ મિશનમાં મહિલાઓની સહભાગિતા વધારી છે, જેમાં 100 થી વધુ ભારતીય મહિલા પીસકીપરો વિશ્વભરમાં સેવા આપી રહી છે, જેમાં ત્રણ સંપૂર્ણપણે મહિલાઓની ટીમ સામેલ છે.