રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો આનંદ પટેલ અને અમિત અરોરાએ આખરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ માફી માંગી હતી ,
બંને મ્યુનિસિપલ કમિશનરોએ હાઇકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમગ્ર દુર્ઘટનાકાંડને લઇ મૃતકો અને તેમના પરિજનો પરત્વે ભારે સંવેદના પ્રગટ કરી હતી.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 27 નિર્દોષ લોકોના ભડથું થઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં રાજકોટના બંને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો આનંદ પટેલ અને અમિત અરોરાએ આખરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ માફી માંગી હતી. બંને મ્યુનિસિપલ કમિશનરોએ હાઇકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમગ્ર દુર્ઘટનાકાંડને લઇ મૃતકો અને તેમના પરિજનો પરત્વે ભારે સંવેદના પ્રગટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ કિસ્સામાં હાઈકોર્ટે ટકોર કરી હતી કે બંને અધિકારીઓએ માફી માગવી જોઈએ અને તેમના ખિસ્સામાંથી પીડિતોને વળતર ચૂકવવું જોઈએ.
આ કેસમાં હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજી અને એડવોકેટ દ્વારા ફાયર સેફ્ટી નાં નિયમોનું પાલન કરાવવા માટે કરાયેલી રિટની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ કરાઈ હતી.
અધિકારીઓ પૈકી આનંદ પટેલે જણાવ્યું હતું કે, આ કરૂણ ઘટના બનતા તેઓના માનસ ઉપર ઘેરી અસર પડી છે તેઓ પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના અને શ્રધાંજલિ વ્યક્ત કરે છે. તેના દિવસે તેઓને દરરોજ પસ્તાવા નાં ભાવ થાય છે.
પટેલ પહેલા અમિત અરોરા 2023 થી 2024 સુધી મ્યુનિસિપલ કમિશનર રહ્યા હતા. તેઓએ પણ અદાલતની માફી માગી હતી. તેઓએ પોતાની ફરજ બજાવવામાં ખૂબ કાળજી રાખી હતી. તેઓએ ટીઆરપી ગેમ ઝોન વાળી જગ્યા ઉપર એક પરિચિત દ્વારા યોજવામાં આવેલી જન્મ દિવસની પાર્ટી માં ગયા હતા.
અગાઉ હાઇકોર્ટે રાજકોટના બંને પૂર્વ મ્યુનિસિપલ કમિશનરો આનંદ પટેલ અને અમિત અરોરાની ઝાટકણી કાઢી જણાવ્યું હતું કે, બંને મ્યુનિસિપલ કમિશનર રાજકોટ મનપાના તેમના તાબાના અન્ય અધિકારીઓ કે કર્મચારીઓને જવાબદારી આપી તેમની નીરીક્ષણ અને અંકુશની જવાબદારીમાંથી બચી શકે નહી.
રાજકોટના બંને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોને કોઇ પસ્તાવો કે અપરાધભાવ પણ નથી કે રાજકોટના વર્તમાન મ્યુનિસિપલ કમિશનરના નિવેદનોમાં પણ અમને કોઇ પસ્તાવાની ગ્લાનિ જણાતી નથી.
બીજીબાજુ, રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને લઇ ટીઆરપી ગેમ ઝોનને લગતો સંપૂર્ણ રેકોર્ડ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જો કે, હાલના તબક્કે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ રેકોર્ડ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે અનુક્રમણિકા સાથે ક્રમાનુસાર સમગ્ર રેકોર્ડ રજૂ કરવા જણાવ્યું હતું.
દરમ્યાન રાજય સરકાર તરફથી આજે રાજયની શાળાઓમાં ફાયરસેફ્ટી સુવિધાનું પાલનને લઇ રિપોર્ટ રજૂ કરતાં જણાવાયું હતું કે, રાજયમાં હવે 730 શાળાઓમાંથી 330 શાળાઓમાં જ ફાયરસેફ્ટીની સુવિધા બાકી છે, બાકીની અન્ય સ્કૂલોમાં તેનું પાલન થઇ ગયું છે.
તો, રાજયમાં ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવામાં આવશે તેવી પણ સરકારે ખાતરી આપી હતી. હાઇકોર્ટે ડિસેમ્બર માસ સુધીમાં આ અંગેનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવા સરકારને જણાવ્યું હતું.