ભૂપેન્દ્ર ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ , સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ આફ્રિકા, બેંગકોક,મલેશિયા,સિંગાપોરમાં રૂપિયા મોકલ્યાની શક્યતા
ભૂપેન્દ્રસિંહે વિદેશમાં મોકલ્યા છે. તે સિવાય દુબઈમાં રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. BZ સિવાય ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અન્ય નામે પણ કંપનીઓ શરૂ કરી છે

મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ આફ્રિકા, બેંગકોક,મલેશિયા,સિંગાપોરમાં રૂપિયા મોકલ્યાની શક્યતા છે. ભૂપેન્દ્ર ઝાલાનું નેટવર્ક અનેક દેશમાં ફેલાયેલું છે. UAE સહિત અનેક દેશોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણ કરેલું છે. લોકોને લલચાવી ઉઘરાવેલા રૂપિયા ભૂપેન્દ્રસિંહે વિદેશમાં મોકલ્યા છે. તે સિવાય દુબઈમાં રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. BZ સિવાય ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અન્ય નામે પણ કંપનીઓ શરૂ કરી છે.
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતીયા વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હિંમતનગરમાં મહાઠગના એજન્ટના ઘર, ઓફિસે તપાસ શરૂ કરાઇ હતી. એજન્ટ રૂષિત મહેતાના ઘરે,ઓફિસે CID ક્રાઈમે તપાસ કરી હતી. રૂષિત મહેતા BZ ગ્રુપનું એકાઉન્ટ હેન્ડલ કરતો હતો. BZ ગ્રુપના સાત એજન્ટોની પોલીસે ધરપકડ કરી હતી.
બીઝેડ ગ્રુપના છ હજાર કરોડ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે સાત આરોપીની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય એજન્ટ મયુર દરજી છે. સીઆઈડી ક્રાઈમે ઝડપેલા સાત આરોપીને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી મયુર દરજીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના છ આરોપીને સાબરમતી જેલમાં મોકલી આપ્યા છે.
સીઆઈડી ક્રાઈમે મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. આરોપી મયુર બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે મળીને માલપુરમાં ગ્રાહકો પાસેથી રોકાણ કરાવતા હતા. મયુરે બીઝેડ ગ્રુપમાંથી એક ફોર્ચ્યુનર કાર અને નાણાકીય લાભ મેળવ્યો છે. એટલુ જ નહીં, રોકાણ કરાવી લોકોના નાણા પણ પડાવ્યા હોવાનો મયુર દરજી પર આરોપ છે. ત્યારે માલપુરમાં અંબિકા મોબાઈલ નામની દુકાન ધરાવનાર મયુર દરજી અરવલ્લી જિલ્લામાં બીઝેડ ફાયનાન્સનો પહેલો એજન્ટ બન્યો હતો. જે બાદ મયુરે તેના મિત્રો, સગા સંબંધીઓને બીઝેડ ફાયનાન્સમાં રોકાણ કરીને તગડુ કમિશન મેળવ્યું અને રોકાણકારોને ઉંચુ વ્યાજ પણ અપાવ્યું હતું. આ બાદ મયુરે માલપુર અને બાયડ તાલુકામાં પેટા એજન્ટોની નિમણુંક કરીને કરોડો રૂપિયા બીઝેડમાં રોકાણ કરાવ્યા હતા.