મહારાષ્ટ્રમાં જે રીતે નવી સરકાર રચવામાં ભાજપ એકનાથ શિંદે અને અજિત પવાર વચ્ચે સેન્ડવીચ જેવી હાલત , બન્નેને સાથે રાખીને સરકાર રચવા માંગે
હાલની ચૂંટણીમાં અજિત પવારે પણ મુખ્યમંત્રી ભાજપના તેવું જાહેર કરીને દેવેન્દ્ર ફડનવીસને ટેકો આપી દીધો અને તેથી જ એકનાથ શિંદે કોઇ સોદાબાજી ન કરી શકે તે નિશ્ર્ચિત કરી લીધું.

મહારાષ્ટ્રમાં જે રીતે નવી સરકાર રચવામાં ભાજપ એકનાથ શિંદે અને અજિત પવાર વચ્ચે સેન્ડવીચ જેવી હાલતમાં છે અને બન્નેને સાથે રાખીને સરકાર રચવા માંગે છે તે સમયે પડદા પાછળથી એનસીપીના વડા અજિત પવારે એક જબરી ચાલથી એકનાથ શિંદે માટે મુખ્યમંત્રી પદ મુશ્કેલ બનાવી દીધું હોવાની માહિતી બહાર આવી છે.
તે માટે તેણે તેમના કાકા શરદ પવારએ દશ વર્ષ પહેલા જે રીતે રાજકીય દાવ નાખ્યો હતો તેનું જ પુર્નાવર્તન કર્યું હતું. 2014માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 122 બેઠકો પર લીડ મળતા પવારે રાજ્યમાં સ્થિર સરકારના નામે ભાજપને બહારથી સમર્થન આપવાની જાહેરાત કરી દીધી.
વાસ્તવમાં જે ચૂંટણીમાં કોંગ્રેસ, એનસીપી, શિવસેના અને ભાજપ તમામ અલગ-અલગ રીતે લડ્યા હતા અને માનવામાં આવતું હતું કે ભાજપ અને શિવસેના એક થઇ જશે. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પણ બાર્ગેનીંગ પાવર મળશે તેવી આશાથી ભાજપના ફોનની રાહ જોતા હતા પણ શરદ પવારે અગાઉથી જ ભાજપને ટેકો આપીને ઉદ્ધવ ઠાકરેના ટેકાનું મહત્વ ઘટાડી દીધું હતું.
હાલની ચૂંટણીમાં અજિત પવારે પણ મુખ્યમંત્રી ભાજપના તેવું જાહેર કરીને દેવેન્દ્ર ફડનવીસને ટેકો આપી દીધો અને તેથી જ એકનાથ શિંદે કોઇ સોદાબાજી ન કરી શકે તે નિશ્ર્ચિત કરી લીધું.