ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર , ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝાની ફીમાં તોતિંગ વધારો કર્યો છે ,
પહેલા ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા ફી 38,400 રૂપિયા હતી. હવે 88,000 રૂપિયા ફી ચૂકવવી પડશે ,

ઓસ્ટ્રેલિયા વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક દેશ છે જ્યાં અભ્યાસ માટેનો ખર્ચ ઘણો વધારે છે. જો કે હવે ઓસ્ટ્રેલિયા જઈને અભ્યાસ કરવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે તેમના સપના સાકાર કરવા થોડા મુશ્કેલ બની ગયા છે. ભારતીય વિદ્યાર્થીઓએ અહીં ભણવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે.
ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝાની ફી વધારી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલર (રૂ. 38,400) થી વધારીને 1,600 ડોલર (રૂ. 88 હજાર) કરી દીધી છે. વિદ્યાર્થીઓએ આ પૈસા 1 જુલાઈ 2024થી જ આપવા પડી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ 1 જુલાઈથી આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને 1,600 ઓસ્ટ્રેલિયન ડોલર કરી દીધી છે. ફીમાં પહેલા કરતા બમણો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર દ્વારા ગુરુવારે સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી.
વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વાત શેર કરી. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું એ સાચું છે કે ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં સ્ટુડન્ટ વિઝા ફીમાં અગાઉની રકમ કરતાં બમણી વધારો કર્યો છે. મંત્રીને એમ પણ પૂછવામાં આવ્યું કે, શું ભારત સરકારે સ્ટુડન્ટ વિઝા ફી ઘટાડવા ઓસ્ટ્રેલિયાનો સંપર્ક કર્યો છે? જવાબમાં કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે “ઓસ્ટ્રેલિયન સરકારે 1 જુલાઈ, 2024 થી આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને 1,600 ઓસ્ટ્રેલિયન ડોલર કરી દીધી છે. વિદ્યાર્થીઓને લગતા અન્ય મુદ્દાઓ સાથે આ મામલો ઓસ્ટ્રેલિયન સરકારના સંબંધિત અધિકારીઓ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે.”
મંત્રીએ વધુમાં જણાવ્યું કે વિઝા ફીમાં વધારો થવાથી ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ ચાલુ રાખવા ઇચ્છતા ભારતના વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નાણાકીય પડકારો સર્જાવાની શક્યતા છે. તેમણે કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે ભારત-ઓસ્ટ્રેલિયા ભાગીદારી દ્વિપક્ષીય સંબંધોનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જેમાં આર્થિક, શૈક્ષણિક અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. મંત્રાલય ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહેલા ભારતના વિદ્યાર્થીઓને સંબંધિત બાબતોને ઓસ્ટ્રેલિયા સરકાર સામે ઉઠાવવાનું અને તેનું પાલન કરતુ રહ્યું છે.
ઓસ્ટ્રેલિયન સરકારનું સ્ટુડન્ટ વિઝા ફીમાં વધારો કરવાનું પગલું ભારતીય વિદ્યાર્થીઓ માટે કોઈ મોટા ઝટકાથી ઓછું નથી. ભારતીયો લાંબા સમયથી ઓસ્ટ્રેલિયાને હાઈ એજ્યુકેશન માટે ટોચનું સ્થળ માની રહ્યા છે. વિઝા ફીમાં 126%નો વધારો વિદેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ વધારશે. ખાસ કરીને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પર તેની અસર સ્પષ્ટપણે જોવા મળશે. વિદ્યાર્થીઓએ પહેલેથી જ ટ્યુશન ફી, રહેઠાણ અને અન્ય ખર્ચાઓ પાછળ લાખો રૂપિયા ખર્ચવા પડે છે.
સ્ટુડન્ટ વિઝા ફીમાં 890 ઓસ્ટ્રેલિયન ડોલરના વધારાને કારણે અહીં ભણવાનો ખર્ચ પણ વધવાનો છે. આ કારણે, ઘણા વિદ્યાર્થીઓ હવે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા પર ફરીથી વિચાર કરી શકે છે. સ્ટુડન્ટ વિઝા ફીમાં વધારો એવા સમયે આવ્યો છે જ્યારે સમગ્ર વિશ્વમાં રહેવા-ખાવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. આ કારણે વિદેશમાં અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ છે. નવા નિર્ણય બાદ હવે ભારતીય વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા પહેલા પોતાનું બજેટ વધારવું પડશે. લોન લઈને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર તેની અસર વધુ જોવા મળશે.