આયુષ્યમાન યોજના હેઠળ અમદાવાદમાં એક વર્ષમાં સૌથી વધુ 1.49 લાખ લાભાર્થી હતા , 2023-24માં 6.14 લાખ આયુષ્યમાન કાર્ડ બન્યા હતા.
આયુષ્યમાન યોજના હેઠળ અમદાવાદમાં વર્ષમાં 450 કરોડ ખર્ચાયા, બે વર્ષમાં ખર્ચ-લાભાર્થી બમણાં થયા

અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ખેલાયેલા ખૂની ખેલ બાદ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) ચર્ચામાં આવી ગઇ છે. નાણાકીય વર્ષ 2023-24માં જ ગુજરાતમાંથી 15 જિલ્લામાં આ યોજના પાછળ રૂપિયા 100 કરોડથી વધુ ખર્ચાયા છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2021-22 કરતાં 2022-23માં આયુષ્યમાન યોજના હેઠળ બમણી રકમ ખર્ચાઇ છે. યોજના પાછળ અમદાવાદમાં એક વર્ષમાં સૌથી વધુ 1.49 લાખ લાભાર્થી હતા અને તેમની પાછળ રૂપિયા 450.40 કરોડ ખર્ચાયા હતા. 2021-22માં આ યોજનામાં કુલ 74723 લાભાર્થી પાછળ રૂપિયા 217.80 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આમ, બે વર્ષમાં આ યોજના બમણાથી વધુ રકમનો ખર્ચ થયાની વિગત સામે આવી છે. અમદાવાદમાં 2023-24માં 6.14 લાખ આયુષ્યમાન કાર્ડ બન્યા હતા.
નાણાકીય વર્ષ 2023-24માં જે 15 જિલ્લામાં 100 કરોડથી વધુ રકમ ખર્ચાઇ છે તેમાં સુરત, રાજકોટ, બનાસકાંઠા, મહેસાણા, ભાવનગર, વડોદરા, જુનાગઢ, કચ્છ, અમરેલી, આણંદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, જામનગરનો સમાવેશ થાય છે. સુરતમાં 2021-22માં 51592 લાભાર્થી પાછળ રૂપિયા 172 કરોડ ખર્ચાયા હતા જ્યારે 2023-24માં લાભાર્થીની સંખ્યા વધીને 94 હજાર થઇ હતી અને તેમની પાછળ રૂપિયા 331 કરોડનો ખર્ચ થયો હતો.
અલબત્ત, ખ્યાતિકાંડ બાદ હવે કયા દર્દીને ખરા અર્થમાં જરૂર હતી અને તેની ડોક્ટરો દ્વારા સારવાર થઇ હતી તે પણ પેચિદો પ્રશ્ન છે. ગુજરાતમાં 2023-24માં કુલ 77.95 લાખ નવા આયુષ્યમાન કાર્ડ ધારકો જોડાયા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 2.32 કરોડ, મહારાષ્ટ્રમાં 1.79 કરોડ,રાજસ્થાનમાં 1.09 કરોડ નવા કાર્ડધારકો ઉમેરાયા છે. 70થી વધુ વયના તમામ નાગરિકોને હવે આયુષ્યમાન યોજના હેઠળ આવરી લેવાયા છે. જેના કારણે હવે આગામી વર્ષોમાં આયુષ્યમાન યોજનાના લાભાર્થીની સંખ્યામાં હજુ પણ વધારો થાય તેવી સંભાવના છે.