મુંબઈમાં સોમવારે એક મોટી દુર્ઘટના બની જેમાં બેસ્ટની બસે અકસ્માત સર્જ્યો હતો જેમાં અત્યાર સુધીમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે
બેસ્ટની ઈલેક્ટ્રીક બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. આ પછી, અનિયંત્રિત બસે લગભગ 200 મીટર સુધી રાહદારીઓ અને વાહનોને ટક્કર મારી હતી.

મુંબઈના કુર્લામાં એક ભયાનક અકસ્માત થયો છે. બેસ્ટની ઈલેક્ટ્રીક બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. આ પછી, અનિયંત્રિત બસે લગભગ 200 મીટર સુધી રાહદારીઓ અને વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સાથે અથડાતા 7 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 48 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચાર પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે, જેમની હાલત સામાન્ય છે.
આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. મૃતકોમાંથી કેટલાકની ઓળખ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ શિવમ કશ્યપ (18), કનીઝ ફાતિમા (55), આફીલ શાહ (19) અને અનમ શેખ (20) તરીકે થઈ છે. બાકીના મૃતકોની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી.
ગઈકાલે રાત્રે અકસ્માત સર્જનાર બસ ડ્રાઈવર સંજય મોરેને તબીબી સારવાર માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન IPS અધિકારી અને મુંબઈ પોલીસના L&O સત્યનારાયણ ચૌધરી પણ પોલીસ સ્ટેશનમાં હાજર હતા. પોલીસે જણાવ્યું કે, ઘટના બીએમસીની એલ વોર્ડ ઓફિસ પાસે વ્હાઇટ હાઉસ બિલ્ડિંગની બહાર રાત્રે લગભગ 9:30 વાગ્યે બની હતી.
અકસ્માતમાં મૃત્યુ પામનારાના પરિવારને 5-5 લાખ રુપીયાની સહાય ચૂકવાશે. મહારાષ્ટ્ર સરકારે સહાયની જાહેરાત કરી હતી. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
સાયન અને કુર્લાની હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. જેમાંથી 4ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાના CCTV ફૂટેજ પણ આવી ગયા છે, જેમાં એક બેકાબૂ બસ કાર, બાઈક, રીક્ષા સહિતના વાહનોને પણ કચડતી જોવા મળે છે. આ દુર્ઘટના કુર્લા પશ્ચિમ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં ત્યારે થઈ જ્યારે બેસ્ટની રૂટ નંબર 332 બસ કુર્લા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. હવે બસના મેન્ટેનન્સની તપાસ ચાલી રહી છે.