6ઠ્ઠા પગારપંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો ,
1લી જુલાઈથી 7 ટકાનો ડીએ વધારો લાગુ : કર્મચારી - પેન્શનરોનું મોંઘવારી ભથ્થુ હવે 246 ટકા

રાજ્ય સરકારે તાજેતરમાં 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ મેળવતાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. હવે, સરકારે 6ઠ્ઠા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ મેળવતાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો આપવાની જાહેરાત કરી છે.
આ કર્મચારીઓ-પેન્શનરોને અત્યારે 239 ટકા મુજબ મોંઘવારી ભથ્થું મળવાપાત્ર છે. તેમાં હવે રાજ્ય સરકારે 1લી, જુલાઈ-2024ની અસરથી 7 ટકાનો વધારો જાહેર કરતાં આવા કર્મચારીઓને માસિક મોંઘવારી ભથ્થું 246 ટકા મળવાપાત્ર થશે.
સરકારી કર્મચારીઓના કિસ્સામાં તેમને ડિસેમ્બર-2024થી 246 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવાશે, પરંતુ સરકારે તે 1લી જુલાઈ-2024ની અસરથી અમલમાં મૂકવાની જાહેરાત કરી હોવાથી જુલાઈથી નવેમ્બર-2024 સુધીના 5 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ડિસેમ્બર-2024ના પગારની સાથે અર્થાત જાન્યુઆરી- 2025ના પગારની સાથે ચૂકવાશે.
જ્યારે રાજ્ય સરકાર હસ્તકના જે પેન્શનરો છે, તેમને પણ જુલાઈ- 2024થી નવેમ્બર-2024 સુધીના 5 માસના તફાવતની મળવાપાત્ર હંગામી રકમ જાન્યુઆરી-2025માં રોકડમાં ચૂકવાશે.
રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને 1લી, જાન્યુઆરી-2016ની અસરથી ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો-2016 લાગુ કરવામાં આવ્યા છે.
નવા પગાર ધોરણો ઉપર 1લી, જાન્યુઆરી-2016થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખતો વખત વધારો મંજૂર કરાય તો તે લાગુ કરાય છે, પરંતુ જે સરકારી કર્મચારીઓ કે પેન્શનરોને આ નિયમો લાગુ પડતા નથી.
તેમને ગુજરાત રાજ્ય પગાર સુધારણા નિયમો-2009 લાગુ પડે છે. તેવા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પણ મોંઘવારી ભથ્થાના દરમાં વધારો લાગુ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતો. તે મુજબ સરકારે હવે તેનો નિર્ણય 16મી, ડિસેમ્બર- 2024ના સોમવારે લીધો છે.