કેન્દ્ર સરકાર કહે છે કે વન નેશન વન ઈલેક્શન’થી સરકારનું કામ સરળ થઈ જશે , One Nation One Electionથી સરકારી તિજોરી કેવી રીતે ભરાશે ,
હાલમાં ભારતમાં 'વન નેશન, વન ઈલેક્શન'ને બિલ ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે 'વન નેશન, વન ઈલેક્શન'થી સરકારની તિજોરી કેવી રીતે ભરાશે તેમજ હાલમાં એક મત પાછળ કેટલો ખર્ચ થાય છે. જાણો તમામ વિગતો...

પહેલા સંસદની બહાર અને હવે સંસદની અંદર, શાસક અને વિપક્ષ One Nation One Electionને લઈને સામસામે છે. સત્તાધારી ભાજપ આ બિલના તરફેણમાં છે તેમજ એનડીએના લગભગ તમામ સાથી પક્ષો ભાજપને સમર્થન આપી રહ્યા છે. જ્યાં કોંગ્રેસ ‘વન નેશન, વન ઈલેક્શન’નો ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે, તો કોંગ્રેસની સાથે જ સપા, આરજેડી, આપ અને ડીએમકે જેવી પ્રાદેશિક પાર્ટીઓ પણ વિરોધમાં છે. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નો અર્થ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ, એટલે કે લોકસભા અને વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે પોતાનો મત આપશે.
કેન્દ્ર સરકાર કહે છે કે ‘વન નેશન, વન ઈલેક્શન’થી સરકારનું કામ સરળ થઈ જશે. દેશમાં અવારનવાર ચૂંટણીના કારણે કામ અટકી જાય છે. કારણ કે ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે. જેના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થાય છે અને વિકાસના કામો પ્રભાવિત થાય છે. તો બીજી તરફ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવાના કારણે સરકાર નીતિ ઘડતર અને તેના અમલીકરણ પર વધુ ધ્યાન આપી શકશે. એટલું જ નહીં, દાવો કરવામાં આવી રહ્યો છે કે એકવાર ચૂંટણી યોજવાથી ખર્ચમાં ઘટાડો થશે અને ઓછા સંસાધનોની જરૂર રહેશે. આનાથી જે પૈસા બચશે તે દેશના વિકાસમાં ખર્ચવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં 1952થી 2023 દરમિયાન દર વર્ષે સરેરાશ 6 ચૂંટણીઓ યોજાઈ છે. આ આંકડો માત્ર લોકસભા અને વિધાનસભાની વારંવારની ચૂંટણીઓનો છે. જો સ્થાનિક ચૂંટણીઓનો સમાવેશ કરવામાં આવે તો દર વર્ષે ચૂંટણીની સંખ્યામાં અનેકગણો વધારો થશે. અહી દલીલ એવી છે કે એકસાથે ચૂંટણી થવાથી સરકાર, ઉમેદવારો અને પક્ષો દ્વારા ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં થતા ખર્ચમાં ઘટાડો થશે. એક સાથે ચૂંટણી યોજવાથી મતદાર નોંધણી અને મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી સરળ બનશે. આ કાર્ય એક જ વારમાં યોગ્ય રીતે પૂર્ણ કરી શકાય છે. ઓછી ચૂંટણીના કારણે રાજ્યો પર કોઈ નાણાકીય બોજ પડશે નહીં.
કેન્દ્ર સરકારના સામે વિપક્ષની આ બિલ અંગે દલીલો છે કે, દેશમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ના અમલમાં અનેક પડકારો અને ખામીઓ છે. ખાસ કરીને કોંગ્રેસની દલીલ છે કે ભારત જેવા વિશાળ દેશમાં આ શક્ય નથી, કારણ કે દરેક રાજ્યમાં વિવિધ પડકારો અને મુદ્દાઓ છે. એક સાથે ચૂંટણીથી તેઓને અસર થશે. આ સાંસ્કૃતિક રીતે પણ અશક્ય છે. એકસાથે ચૂંટણી યોજવાથી પ્રાદેશિક રાજકીય પક્ષોની સંભાવનાઓ પર અસર પડી શકે છે, કારણ કે તેઓ સ્થાનિક મુદ્દાઓને મુખ્ય રીતે પ્રકાશિત કરી શકશે નહીં. તેઓ નાણાં અને ચૂંટણી વ્યૂહરચનાના સંદર્ભમાં રાષ્ટ્રીય પક્ષો સાથે ટક્કર કરી શકશે નહીં. પ્રાદેશિક રાજકીય પક્ષો પાસે મર્યાદિત સંસાધનો હોય છે, જ્યારે રાષ્ટ્રીય પક્ષો તેમના સંસાધનોને કારણે પ્રભુત્વ મેળવી શકે છે.
જો ચૂંટણી ખર્ચની વાત કરીએ તો તે ફુગાવાના સૂચકાંકના આધારે નક્કી કરવામાં આવે છે. ખર્ચ મર્યાદા વર્ષોથી સેવાઓ અને માલસામાનના ભાવમાં થયેલા વધારાના આધારે નક્કી કરવામાં આવે છે. વર્ષ 1951માં આઝાદી પછી દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં લગભગ 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ અનુસાર, 1951માં કુલ 17.32 કરોડ મતદારો હતા, જે વર્ષ 2019માં વધીને 91.2 કરોડ થઈ ગયા હતા. આ ઉપરાંત પંચના જણાવ્યાનુસાર, 2024ની ચૂંટણી માટે 98 કરોડ મતદારોના નામ યાદીમાં હતા.
2024ની લોકસભા ચૂંટણીમાં એક વોટ માટેના ખર્ચની ગણતરી કરીએ તો એ વાત સામે આવે છે કે જ્યારે 1951માં દેશમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ત્યારે લગભગ 17 કરોડ મતદારોએ ભાગ લીધો હતો. તે સમયે દરેક મતદાર પર 60 પૈસાનો ખર્ચ થયો હતો. જ્યારે આ ચૂંટણીમાં કુલ 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તો 2019ની લોકસભા ચૂંટણીમાં લગભગ 6600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કુલ મતદારોની સંખ્યા લગભગ 91.2 કરોડ હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં આ ખર્ચ વધીને 72 રૂપિયા પ્રતિ મતદાર થયો હતો. 2014ની ચૂંટણીમાં મતદાર દીઠ 46 રૂપિયાનો ખર્ચ થયો હતો. અગાઉ, 2009ની લોકસભા ચૂંટણીમાં, મતદાર દીઠ ખર્ચ 17 રૂપિયા હતો, અને 2004ની ચૂંટણીમાં, ખર્ચ પ્રતિ મતદાર દીઠ 12 રૂપિયા હતો. દેશમાં સૌથી ઓછી ખર્ચાળ લોકસભા ચૂંટણી 1957માં યોજાઈ હતી, ત્યારે ચૂંટણી પંચે માત્ર 5.9 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, એટલે કે દરેક મતદાર માટે ચૂંટણી ખર્ચ માત્ર 30 પૈસા હતો.
ECએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ માટે ઘણી તૈયારીઓ કરવી પડશે. મતદાર યાદી અપડેટ કરવી, વોટિંગ મશીન ખરીદવા અને સુરક્ષા દળોની વ્યવસ્થા કરવી જેવા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો છે.
ઓક્ટોબર 1979માં કાયદો અને વ્યવસ્થા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે. તેવી જ રીતે, રાજ્યની વિધાનસભા ચૂંટણીનો ખર્ચ સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. હવે જો રાજ્ય અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય તો ખર્ચ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે છે. નોંધનીય છે કે, ECએ 2029માં ONOE માટે કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતી માટે 50 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આ માટે અંદાજે 7 લાખ સુરક્ષા કર્મચારીઓની જરૂર પડી શકે છે. EVM અને VVPAT સ્ટોર કરવા માટે દેશભરમાં 800 વધારાના વેરહાઉસની પણ જરૂર પડશે.
- કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી 2029 પછી તારીખ નક્કી કરશે.
- આ તારીખે જ તમામ રાજ્યોની વિધાનસભાઓનું વિસર્જન કરવામાં આવશે.
- આ પછી, પ્રથમ તબક્કામાં, લોકસભાની મુદત અનુસાર તમામ વિધાનસભાઓ માટે ચૂંટણી યોજાશે.
- 100 દિવસમાં બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાશે.
- આ તમામ ચૂંટણીઓ માટે એક જ મતદાર યાદી હશે.
- લોકશાહીમાં કોઈપણ સરકાર પડી શકે છે. આવી સ્થિતિમાં, જો અવિશ્વાસ પ્રસ્તાવને કારણે લોકસભા અથવા કોઈપણ વિધાનસભા ભંગ કરવામાં આવે છે, તો એવું સૂચન કરવામાં આવ્યું છે કે ગૃહમાં જેટલો સમય બાકી છે તેટલા જ સમયગાળા માટે નવી ચૂંટણીઓ યોજવી જોઈએ.