આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY યોજનાની નવી SOP જાહેર ; આરોગ્ય સચિવ અને કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
PMJAY યોજનાની નવી SOP જાહેર થવાની છે ત્યારે આ બાબતે મહત્વના સમાચાર સામે આવ્યા હતા. જેમાં એમ્પેનલ હોસ્પિટલ માટે નિયમો વધુ કડક બને તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY યોજનાની નવી SOP જાહેર કરવાના છે, ત્યારે આ દરમિયાન આરોગ્ય સચિવ અને કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. રાજ્યના આરોગ્ય તંત્રને હચમચાવી દેનાર ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડને રોકવા માટે સરકારે નવી SOP તૈયાર કરી છે. જેમાં કાર્ડિયોલોજી, ઓન્કો(કૅન્સર) અને નિયોનેટલ(બાળકો) ની સારવાર માટે નવી SOP જાહેર કરવામાં આવશે. આમાં PMJAY હેઠળ એમ્પેનલ હોસ્પિટલ માટે વધુ કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
જેમાં કાર્ડિયોલોજી સેવાઓ માટે કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઇમ કામ કરતા હોય તેવા જ સેન્ટરોને જ માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લેવાઇ શકે છે. ઇમરજન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફ્ક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જીયોપ્લાસ્ટી કરી શકશે તે નિર્ણય લેવાઇ શકે છે. કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં રેડિયેશનના પેકેજીસ માં પણ જરૂરી સુધારા કરવામાં આવે તેની શક્યતા જોવા મળી હતી.
આ ઉપરાંત બાળકોની સારવાર કરતાં NICU/SNCU (નિયોનેટલ ઇન્ટેન્શિવ કેર યુનિટ / સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં હોસ્પિટલે ફરજીયાત પણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઇને CCTV ઇન્સટોલેશનનો સમાવેશ કરવામાં આવનાર છે. અને ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની વિવિધ જોગવાઈઓની પણ એમ્પેનલ હોસ્પિટલ માટે ફરજ પાડવામાં આવી શકે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.