દિલ્હીની વિધાનસભા ચૂંટણી ફરી એક વખત સમગ્ર દેશનું ધ્યાન ખેંચશે તે નિશ્ચિત છે ; દિલ્હી ચૂંટણી: 70 બેઠકો માટે 225 નામો શોર્ટ લીસ્ટેડ કરતું ભાજપ
કેજરીવાલ સહિતના ‘આપ’ નેતાઓને કાનૂની સકંજામાં લેવાશે : સીસોદીયા પણ ટાર્ગેટ પર, મુખ્યમંત્રી ચહેરા વગર વધુ એક રાજ્યની ચૂંટણી લડશે ભાજપ

દેેશમાં 2024મું વર્ષ ચૂંટણીનું રહ્યું હવે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં જ દિલ્હીની વિધાનસભા ચૂંટણી ફરી એક વખત સમગ્ર દેશનું ધ્યાન ખેંચશે તે નિશ્ચિત છે અને એક તરફ આમ આદમી પાર્ટી અને તેના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ચોથી ટર્મ માટે દિલ્હીમાં સત્તા કબજે કરવા આતુર છે તો હરિયાણાથી લઇ મહારાષ્ટ્રમાં વિપક્ષને મહાત કર્યા બાદ હવે દિલ્હીમાં ભાજપ 70 વિધાનસભાની બેઠકમાં જે છેલ્લી ત્રણ ટર્મથી સિંગલ ડીજીટ બેઠક મેળવી રહી છે તે હવે સત્તા માટે તમામ તાકાત લગાવશે. આમ આદમી પાર્ટીએ તેના તમામ 70 બેઠકો પરના ઉમેદવારો જાહેર કર્યા છે.
કોંગ્રેસ પણ હવે 15 વર્ષથી વધુ સમયથી દિલ્હીમાં વનવાસનો અંત લાવવા આતુર છે અને તેથી ત્રિપાંખીયો જંગ લડાશે તે નિશ્ચિત છે. આમ આદમી પાર્ટીએ કોઇપણ પ્રકારનું ગઠબંધન નહીં કરવા જાહેરાત કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ ભાજપની કેન્દ્રીય સમિતિ તા.24 અને 25ના રોજ મળશે અને તેમાં દિલ્હી વિધાનસભા બેઠક માટેના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. 70 બેઠકો માટે ભાજપ પાસે 225થી વધુ દાવેદારોએ ટીકીટ માંગી છે અને પ્રથમ યાદીમાં 20 થી 22 ઉમેદવારો મેદાનમાં હશે. કુલ ત્રણ યાદીમાં ભાજપ તમામ ઉમેદવારોની યાદી જાહેર કરશે.
પ્રદેશ ચૂંટણી સમિતિની રચના પણ થઇ ગઇ છે. એક તબકકે દિલ્હીમાં ચૂંટણી લડવા માટે ભાજપના 2000થી વધુ દાવેદારો મેદાનમાં હતા પરંતુ તે કટશોર્ટ કરીને 225 નામો પર વિચારણા થશે. ભાજપે આ ઉપરાંત મુખ્યમંત્રી પદના દાવેદાર કેજરીવાલ અને વર્તમાન મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના નં.2 ગણાતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા સામે મોટા માથાને ઉતારવા તૈયારી કરી છે.
દિલ્હી એ આમ આદમી પાર્ટીનો ગઢ બની ગયો છે અને ભાજપ માટે તે તોડવો જરુરી છે. જો કે ભાજપ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા વગર ચૂંટણી લડશે અને આ ચૂંટણીમાં આરએસએસ પણ સક્રિય બની ગયું છે.
ભાજપે છેલ્લી ત્રણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ત્રણ વખત જીતેલી બેઠકોને કેન્દ્રીત કરી છે. જો કે કેજરીવાલે પણ શાસન વિરોધી મતો કાપવા માટે નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. ‘આપ’ પાસે 26 બેઠકો અત્યંત મજબૂત સ્થિતિમાં હોવાનું મનાય છે. 35 બેઠકો મજબૂત અને 8 બેઠકો મધ્યમ તથા એક બેઠક જ કમજોર છે. ભાજપ પાસે મજબૂત ગણી શકાય તેવી પાંચ, મધ્યમ ગણી શકાય તેવી 29 અને 35 કમજોર સીટ છે. કોંગ્રેસ પાસે 8 મધ્યમ અને 62 કમજોર સીટ છે અને ભાજપે તે મુજબ પોતાની ચૂંટણી વ્યૂહ રચના ગોઠવવાનું શરુ કર્યું છે.
હાલમાં મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં પણ ગુજરાત ભાજપના અનેક ધારાસભ્યો અને સાંસદો પ્રચારમાં જોડાયા હતા. ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ મુંબઇમાં પ્રચાર કરી આવ્યા હતા અને મુખ્યમંત્રી પસંદગી માટેની વિધાનસભા પક્ષની બેઠકમાં રાષ્ટ્રીય નિરીક્ષક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જવાબદારી સોંપવામાં આવી હતી. હવે દિલ્હીમાં પણ રૂપાણીને ખાસ જવાબદારી સોંપાશે.
પંજાબમાં તેઓ પ્રભારી હોવાથી અને દિલ્હી તથા પંજાબ વચ્ચે ખાસ કનેકશન હોવાથી શ્રી રુપાણીને દિલ્હીના શિખ મતો અંગે જવાબદારી સોંપાય તેવા સંકેત છે. આ ઉપરાંત અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકર, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ગુજરાત ભાજપના ઓબીસી નેતા અને સાંસદ મયંકભાઇ નાયકને પણ જવાબદારી સોંપાશે. શ્રી નાયક ગુજરાતી સમાજના લોકોને સાથે રાખશે તેવા સંકેત છે.