દિલ્હી પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરોનું મોટું રેકેટ ઝડપી પાડયું મદદ કરનારા સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રજત શર્મા નામનો આરોપી જનતા પ્રિન્ટ્સ નામની વેબસાઇટ ચલાવતો હતો, આ વેબસાઇટના માધ્યમથી માત્ર 20 રૂપિયામાં ફેક દસ્તાવેજો બનાવી અપાતા હતા.

દિલ્હી પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરોનું મોટું રેકેટ ઝડપી પાડયું છે. ઘૂસણખોરો તેમજ તેમને મદદ કરનારા સહિત કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પાંચ બાંગ્લાદેશી અને છ મદદ કરનારાઓનો સમાવેશ થાય છે. આ સાથે જ આરોપીઓની પાસેથી ૨૧ ફેક આધાર કાર્ડ, છ ફેક પાન કાર્ડ અને ચાર ફેક મતદાર આઇડી મળી આવ્યા છે. એક ફેક વેબસાઇટ બનાવીને આ બનાવટી દસ્તાવેજો આપવામાં આવી રહ્યા હતા. જેમાં માત્ર ૨૦ રૂપિયા લઇને ફેક ભારતીય નાગરિકતા પણ આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રજત શર્મા નામનો આરોપી જનતા પ્રિન્ટ્સ નામની વેબસાઇટ ચલાવતો હતો, આ વેબસાઇટના માધ્યમથી માત્ર ૨૦ રૂપિયામાં ફેક દસ્તાવેજો બનાવી અપાતા હતા. જે પાંચ ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે તેઓએ ભારતીય સરહદમાં પ્રવેશવા માટે જંગલ અને ટ્રેન માર્ગનો ઉપયોગ કર્યો હતો. તેમને મોબાઇલ અને રોકડા રૂપિયા, દસ્તાવેજો સહિત તમામ સુવિધાઓ ભારતમાં પુરી પાડવામાં આવી રહી હતી.
સાઉથ દિલ્હીના સંગમ વિબારમાં એક હત્યાના મામલાની તપાસ દરમિયાન બાંગ્લાદેશીઓને ઘૂસાડવાનું આ રેકેટ ઝડપાયું હતું. સાઉથ ડિસ્ટ્રિક્ટના ડીસીપી અંકિત ચૌહાણે જણાવ્યું હતું કે સેંટો શેખની હત્યા રૂપિયાની લેવડદેવડ અને અંગત ઝઘડાને કારણે કરાઇ હતી. આ સેંટો શેખ બાંગ્લાદેશી નાગરિકોના બનાવટી આધારકાર્ડ બનાવતો હતો. હત્યામાં સામેલ પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો જ છે જેને પોલીસે ઝડપી પાડયા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર રેકેટ એક સિન્ડિકેટ દ્વારા ઓપરેટ થતું હતું. બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ઘૂસાડવામાં આવતા હતા, ભારત પહોંચ્યા બાદ તેમને મોબાઇલ સિમ કાર્ડ અને રોકડા રૂપિયા આપવામાં આવતા હતા. આ રેકેટમાં સામેલ મુન્ની દેવી નામની મહિલાને પણ ઝડપી પાડવામાં આવી છે. તાજેતરમાં જ દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ દિલ્હી પોલીસને બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી લેવા માટે સમગ્ર દિલ્હીમાં ડ્રાઇવ ચલાવવા કહ્યું હતું. પોલીસે આ અભિયાન દરમિયાન જ આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. હજુ ભારતમાં અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરો ગેરકાયદે રહી રહ્યા છે તાજેતરમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે સંબંધોમાં વિવાદ દરમિયાન આ ઘૂસણખોરોને પરત બાંગ્લાદેશ મોકલવાની માગણી થઇ રહી છે.