કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસનો રાષ્ટ્રીય શોક વચ્ચે સુરેન્દ્રનગર શહેરની એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ત્રિ દિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્ટોલ ધારક દ્વારા એક ગુજરાતી અભિનેત્રીને બોલાવી ઠુમકા કરાવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતા ચોમેર ટીકા થઈ રહી છે

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું તારીખ 26 ડીસેમ્બરના રોજ નિધન થતા કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સરકારનો કાંકરીયા કાર્નિવલનો પ્રોગ્રામ પણ રદ કરવામાં આવ્યો છે. ત્યારે ગ્લોબલ બિઝનેસ એક્સપોમાં અભિનેત્રી-ડાન્સરનો ઝાલાવડની ગરીમાને લાંછન લગાડતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.
કાર્યક્રમના ઉદ્ઘાટનમાં સાંસદ ચંદુભાઇ સિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ વર્ષાબેન દોશી, ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોના આયોજક નરેશ કેલા અને કિશોરસિંહ ઝાલા હાજર રહ્યા હતા. ગ્લોબલ ઝાલાવાડ એક્સપો 2024નો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવવાની જાહેરાત આયોજકો દ્વારા પત્રકાર પરિષદ કરીને કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી હાજર ન રહેતા લોકોમાં અનેક પ્રકારની વાતો વહેતી થઇ હતી. જેમાં મુખ્ય કારણ બિઝનેસ એકસપોના મુખ્ય આયોજકોમાંથી પાવરટ્રેક ગ્રુપ કંપનીના ચેરમેન કિશોરસિંહ ઝાલા સામે મહિલાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ હોવાનું મનાઈ રહ્યું છે