અમદાવાદ શહેરમાં 31 મી ડિસેમ્બરની ઉજવણીને લઈ અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર ; બે મુખ્ય રોડ પર વાહનનોની અવર જવર રહેશે બંધ
અમદાવાદ શહેરમાં 31 મી ડિસેમ્બરની ઉજવણીને લઈ અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમજ નવા વર્ષની ઉજવણી નિમિત્તે ટ્રાફીક ન સર્જાય તે માટે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે

અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી નિમિત્તે જાહેર વ્યવસ્થા જાળવવા ટ્રાફીકના સુચારુ નિયમન તથા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાના હેતુસર હુકમ કર્યો છે. અમદાવાદ શહેરમાં તા.૩૧/૧૨/૨૦૨૪ અને તા.૦૧/૦૧/૨૦૨૫ વચ્ચેની રાત્રી દરમિયાન નવા વર્ષની ઉજવણી નિમીતે મોટી જનમેદની ભેગી થતી હોય છે. જેના નિયમન સારૂ નીચે મુજબના વિવિધ પ્રતિબંઘો ફરમાવવામાં આવે છે.
સી.જી.રોડના સ્ટેડીયમ સર્કલ થી પંચવટી સુધી ૩૧/૧૨/૨૦૨૪ ના કલાક ૧૮.૦૦ થી તા.૧/૧/૨૦૨૫ ના કલાક ૦૩.૦૦ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રાખવામાં આવે છે.
સમથેશ્વર મહાદેવથી બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરી શકશે. પરંતુ સી.જી.રોડ ઉપર વાહન હંકારી શકાશે નહી અને કલાક ૨૦.૦૦ થી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.
મીઠાખળી સર્કલથી ગીરીશ કોલ્ડ્રીક્સ ચાર રસ્તા થઇ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડ થી સ્વસ્તીક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા આમને સામને બન્ને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરવાનો રહેશે. પરંતુ સી.જી.રોડ ઉપર વાહન હંકારી શકાશે નહી અને કલાક ૨૦.૦૦ થી સદંતર વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. સી.જી.રોડ ઉપર આવેલ કાયદેસરની બન્ને બાજુ જે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે તે પાર્કિંગ વ્યવસ્થા કલાક ૧૮.૦૦ થી બંધ રહેશે.
ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધીનો બન્ને બાજુનો માર્ગ ૩૧/૧૨/૨૦૨૪ ના કલાક ૨૦.૦૦ થી તા.૧/૧/૨૦૨૫ ના કલાક ૦૩.૦૦ સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
પેસેન્જર વાહનો સવાર કલાક ૮.૦૦ થી રાત્રીના કલાક ૨૨.૦૦ સુધી પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. તે પૈકી પેસેન્જર વાહન સિવાયના તમામ પ્રકારના વાહનો એસ.જી.હાઇવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર તા.૩૧/૧૨/૨૦૨૪ ના કલાક ૦૮.૦૦ થી તા.૧/૧/૨૦૨૫ ના કલાક ૦૩.૦૦ સુધી અવર-જવર કરી શકશે નહી. આ દરમિયાન વાહન ચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રીંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના એસ.જી.રોડ અને તેના સર્વિસ રોડ પર તા.૩૧/૧૨/૨૦૨૪ ના કલાક ૧૯.૦૦ થી તા.૧/૧/૨૦૨૫ ના કલાક 03:00 સુધી વાહન પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે.
નહેરુનગર સર્કલ થી શિવરંજની ચાર રસ્તા થઈ ઇસ્કોન ચાર રસ્તા સુધીના રોડ પર ખાનગી લક્ઝરીના પાર્કિંગ ઉપર પણ આ સમય દરમિયાન પ્રતિબંધ રહેશે. તેમજ ફરજમાં રોકાયેલા તમામ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનોને આ જાહેરનામું લાગું પડશે નહી.