સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીની તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીના 100માં જયંતી વર્ષની ઉજવણી થશે.
2025માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની પ્રથમ બેઠકમાં ઉજવણી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી.

ઉજવણીમાં ખાસ કરીને ભારતીય બંધારણના શાશ્વત પણા સાથે રાષ્ટ્ર નેતાઓના આદર્શો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને જન માનસમાં સર્જનાત્મક રીતે ઉજાગર કરવાનાં કાર્યક્રમો યોજાશે.
વર્ષ 2025માં ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નિમિત્તે ગુજરાતભરમાં સંવિધાનના અમૃત મહોત્સવની ઉજવણી કરાશે. સાથે જ, કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પણ ઉજવણી કરવામાં આવશે.
આ ઉપરાંત એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝન સાથે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીની તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીના 100માં જયંતી વર્ષની પણ ભવ્ય ઉજવણી થશે. ભગવાન બિરસામુંડાની 150મી જયંતી નિમિત્તે ગુજરાતમાં વર્ષ 2025ને જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઉજવાશે.
આ બધા જ ઉજવણી કાર્યક્રમોને વધુ લોકભોગ્ય અને પ્રજા સહભાગીતા પ્રેરિત બનાવવા વિવિધ સ્પર્ધાઓ, વ્યાખ્યાનમાળાઓ, ટ્રાઇબલ હેરિટેજને પ્રોત્સાહિત કરતા જનજાતિ ગૌરવ મેળાઓ વગેરેના આયોજનની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.
2025માં રાજ્યમાં થશે આ ચાર ઉજવણી
► સંવિધાનનો અમૃત મહોત્સવ-બંધારણના 75માં વર્ષની ઉજવણી અને કટોકટીના 50 વર્ષ
► ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝન સાથે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી
► ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી
► પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના 100મા જન્મ જયંતી વર્ષની ઉજવણી