તાપમાન નોર્મલ કરતા ઉંચુ જ રહેવાની સંભાવના તાપમાનનો પારો વધુ ઉંચકાશે: તા.15મી પછી 38 ડીગ્રીને આંબશે
તા.15મીથી પવનનું જોર પણ વધશે: અમુક દિવસે ઝાકળવર્ષા

શિયાળો હવે વિદાયના માર્ગે હોય તેમ કેટલાક દિવસોથી તાપમાન વધવા લાગ્યું જ છે અને હવે આવતા દિવસોમાં તેમાં વધુ વધારો થશે તથા 38 ડીગ્રીને આંબી જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે ગત 7મીથી તાપમાન વધવાનું છેલ્લી આગાહીમાં જણાવ્યું હતું તે મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં છેલ્લા દિવસોમાં ન્યુનતમ અને મહતમ એમ બન્ને તાપમાન નોર્મલ કરતા ત્રણ ડીગ્રી વધુ રહ્યા હતા. હવે મહત્તમ તાપમાન પર વધુ લક્ષ્ય આપવાનું રહે છે. રાજ્યના મોટાભાગના શેહેરોમાં મહતમ તાપમાન સોમવારે 2 થી 3 ડીગ્રી ઉંચુ હતું.
અમદાવાદનું 33.4, ડીસાનું 33.1 તથા ભુજનું 33.2 ડીગ્રી હતું તે નોર્મલ કરતાં ત્રણ ડીગ્રી વધુ હતું. રાજકોટમાં 33.1 તથા વડોદરામાં 33.4 હતું તે નોર્મલ કરતા બે ડીગ્રી વધુ હતું.
રાજ્યમાં હવે નોર્મલ મહત્તમ તાપમાનની રેન્જ 30 થી 31 ડીગ્રી છે તે સપ્તાહમાં વધીને 31 થી 32 ડીગ્રી થશે. તા.11 થી 18 ફેબ્રુઆરીની આગાહીમાં તેઓએ જણાવ્યું હતું કે 14 ફેબ્રુઆરી સુધી તાપમાનનો પાસે 33થી 36 ડીગ્રીમાં રહેશે. ત્યારે તા.15ને શનિવારથી વધુ ઉંચકાશે.
તા.15 થી 18માં મહત્તમ તાપમાનની રેજ 35 થી 38 ડીગ્રી થવાની સંભાવના છે.
આગાહીના સમયગાળામાં પવન પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને ઉતરના ફુંકાશે તા.14 સુધી 10 થી 15 કીમીની ઝડપે પવન રહેશે. જ્યારે 15 થી 18માં પવનનું જોર વધશે અને 12 થી 25 કીમીની ઝડપે ફુંકાવાની શક્યતા છે.
આ દરમિયાન આકાશ મોટાભાગે ચોખ્ખુ-સ્વચ્છ રહેશે. એકાદ દિવસ છૂટા છવાયા વાદળો જોવા મળી શકે છે. અમુક દિવસે પશ્ચિમી પવનોને કારણે ખાસ કરીને કચ્છ તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાકળવર્ષા થવાની સંભાવના છે.