ગુરૂવારથી તાપમાન વધવા લાગશે અને કયાંક 40 ડીગ્રીને આંબી જવાની શકયતા દર્શાવાતી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
અશોકભાઈ પટેલની તા.8 માર્ચ સુધીની આગાહી : તા.5 માર્ચ સુધી તાપમાનની રેન્જ 35 થી 37 ડીગ્રી : પછી 37 - 39 ડીગ્રી થશે : અમુક સેન્ટરોમાં 40 ડીગ્રીને આંબી શકે : તા.3 થી 5 પવનનું જોર રહેશે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગરમી વહેલી શરૂ થઈ ગવાનો માહોલ કેટલાંક દિવસોથી હોય તેમ તાપમાન નોર્મલથી ઉંચુ જ રહે છે. આગામી બુધવાર સુધી વર્તમાન માહોલ જળવાયા બાદ તા.6 ને ગુરૂવારથી તાપમાન વધવા લાગશે અને કયાંક 40 ડીગ્રીને આંબી જવાની શકયતા દર્શાવાતી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત આગાહીમાં સુચવ્યા મુજબ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા દિવસોમાં તાપમાન 36 થી 38 ડીગ્રીની રેન્જમાં પહોંચી ગયુ હતું અને ઉતર ભારત તથા પર્વતીય ભાગોમાં હિમવર્ષા તથા વરસાદ થયો હતો.
રાજયનાં મુખ્ય સેન્ટરોમાં ગઈકાલે મહતમ તાપમાન રાજકોટમાં 36.6 તથા રાજકોટમાં 36.7 ડીગ્રી હતું. તે નોર્મલ કરતા ત્રણ ડીગ્રી ઉંચુ હતું. વડોદરામાં 35.8 ડીગ્રી મહતમ તાપમાન હતું. તે નોર્મલથી બે ડીગ્રી વધુ હતું.ડીસામાં 34.4 ડીગ્રી તથા ભુજમાં 33.7 ડીગ્રી હતું તે નોર્મલ કરતાં 1 ડીગ્રી વધુ હતું.
તેઓએ તા.1 થી 8 માર્ચની આગાહીમાં કહ્યું કે, હવે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નોર્મલ તાપમાનની રેન્જ 32.5 થી 34 ડીગ્રીની થઈ છે.તા.1 થી 5 માર્ચ દરમ્યાન મહતમ તાપમાન 35 થી 37 ડીગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. અર્થાત કોઈ ખાસ વધારો નહીં રહે અને નોર્મલની નજીક કે થોડુ વધુ રહેશે.
પરંતુ તા.6 ને ગુરૂવારથી તાપમાનમાં દરરોજ એકથી દોઢ ડીગ્રીનો વધારો થવા લાગશે. તા.6 થી 8 દરમ્યાન તાપમાન 37 થી 39 ડીગ્રીની રેન્જમાં પહોંચી જશે અને કયાંક અમુક સેન્ટરમાં 40 ડીગ્રીને આંબી જાય કે તેની નજીક પહોંચી તેવી શકયતા નકારાતી નથી.
આગાહીનાં સમયગાળામાં તા.4 સુધી પશ્ચિમ-ઉતર પશ્ચિમ તથા ત્યારબાદ ઉતર-ઉતર પુર્વનાં પવન ફુંકાશે. તા.3 થી 5 માર્ચ દરમ્યાન પવનની ઝડપ 15 થી 25 કીમી જેવી વધુ હશે.
જયારે બાકીનાં દિવસોમાં 10 થી 15 કીમીની નોર્મલ ઝડપ હશે તા.4 સુધી આકાશમાં છુટાછવાયા વાદળો જોવા મળશે. તા.5 થી આકાશ ચોખ્ખુ થઈ જશે. તા.3 સુધી કચ્છ તથા પશ્ચિમ સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ઝાકળની શકયતા છે.