કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. 2027માં કોંગ્રસના વિજય માટે કોંગ્રેસ નેતા હાલ કોંગ્રેસ પાર્ટીમાં નવા મોટા ફેરફાર કરે તેવા સંકંતો
રાહુલ ગાંઘીએ ગઇકાલે તાલુકા તથા નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખો સાથે પણ કેટલાક મહત્વના મુદ્દાને લઇને ચર્ચા કરી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. 2027માં કોંગ્રસના વિજય માટે કોંગ્રેસ નેતા હાલ કોંગ્રેસ પાર્ટીમાં નવા મોટા ફેરફાર કરે તેવા સંકંતો મળી રહ્યાં છે. નોંધનિય છે કે, ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા અને તેની સતત થઇ રહેલી કારમી હારના કારણો જાણવા માટે હાલ કોંગ્રેસમાં મંથન થઇ રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે, આજે રાહુલ ગાંધીનો ગુજરાતમાં બીજો દિવસ છે. 7 માર્ચે શુક્રવારે તેઓએ કોંગ્રેસ કાર્યાલયના સ્ટાફ સાથે બેઠક કરી હતી. ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓની રાહુલ સમક્ષ અનેક રજૂઆત કરી હતી. પક્ષ વિરોધી કાર્ય કરનારને તગેડી મુકવાની પણ માગ કરવામાં આવી હતી. કેટલાક નેતાઓ પક્ષ સાથે ગદ્દારી કરતા હોવાની પણ ફરિયાદ કરવામા આવી હતી.
રાહુલ ગાંઘીએ ગઇકાલે તાલુકા તથા નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખો સાથે પણ કેટલાક મહત્વના મુદ્દાને લઇને ચર્ચા કરી હતી. આ મીટિંગ દરમિયાન કેટલાક જૂથના આંતરિક મુદ્દે પ્રમુખોએ દિલ ખોલીને વાત કરી હતી આ મુદ્દાના સમાધાન માટે પ્રિયંકા વાતચીત કરશે એવો વિશ્વાસ પ્રમુખોને રાહુલ ગાંધીએ અપાવ્યો હતો. તો રાહુલ ગાંધી બાદ પ્રિયંકા પણ ગુજરાતના પ્રવાસે આવે તેવા સંકેત મળી રહ્યાં છે.
રાહુલ ગાંધીના પ્રવાસથી કોંગ્રેસમાં નવી ઊર્જાનો સંચાર થાય તેવી આશા કોંગ્રેસ નેતા સેવી રહ્યાં છે. આ પ્રવાસથી સંગઠનને મજબૂતી મળવાની સાથે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.
રાહુલ ગાંધી આજે રાજ્યના 2 હજાર કોંગ્રેસનાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. થોડા સમયમાં અમદાવાદના ZA બેન્કવેટ પહોંચશે. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારો,સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો પણ ઉપસ્થિત રહેશે. નોંધનિય છે કે, આ બેઠકમાં સંગઠનની સાથે વર્તમાન સરકારની નિસ્ફળતા પર પણ નિશાન સાઘવામાં આવશે, બપોર બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થશે.