વડાપ્રધાને 25 હજારથી વધુ સ્વયં સહાયતા સમુહોની 2.5 લાખથી વધુ મહિલાઓને 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયતા વિતરિત કરી
પીએમના કાર્યક્રમમાં નવો રેકોર્ડ સર્જાયો - કાયદો વ્યવસ્થાથી માંડીને બધી વ્યવસ્થા મહિલાઓએ સંભાળી

ગુજરાતમાં પ્રવાસના આજના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ મહિલા દિનના અવસર સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, મહાકુંભમાં મા ગંગાના અને આજે માતૃશકિતના મહાકુંભમાં મને આશિર્વાદ મળ્યા છે. હું દુનિયાનો સૌથી ધનિક વ્યકિત છું, મારી જિંદગીના એકાઉન્ટમાં કરોડો માતા, બહેનો, દીકરીઓના આશિર્વાદ છે. આ આશિર્વાદ સતત વધી રહ્યા છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં નારીને નારાયણી કહી છે, નારીનું સન્માન એ વિકસીત ભારતનું પ્રથમ પગથિયું છે. અહીં મહિલાઓ શૌચાલયને શૌચાલય નથી કહેતી એમ કહે છે કે આ તો મોદીએ ઇજજત ઘર બનાવ્યું છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે અમારી સરકારે મહિલાઓને સન્માન આપ્યું છે. ભારતની નારી શકિતએ દેશની જવાબદારી સંભાળી લીધી છે.
વડાપ્રધાને લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. વાનસી બોરસી ગામમાં 25 હજારથી વધુ સ્વયં સહાયતા સમુહો (એસએચજી)ની 2.5 લાખથી વધુ મહિલાઓને 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયતા વિતરિત કરી હતી.
સંવાદ બાદ મોદીએ રોડ-શો કર્યો હતો. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આજે અહીં ગુજરાત સફલ અને ગુજરાત મૈત્રી આ બે યોજનાઓનો શુભારંભ થયો છે. અનેક યોજનાઓના પૈસા પણ મહિલાઓના બેન્ક ખાતામાં સીધા ટ્રાન્સફર કરાયા છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓની માંગ હતી કે તેમને સુરક્ષા આપવામાં આવે તો મુસ્લિમ મહિલા (શાદીમાં સુરક્ષાનો અધિકાર) કાનુન ર019 અંતર્ગત તેમની જિંદગીને બરબાદ થતી બચાવી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, મહિલાઓના બેન્ક ખાતા ખોલાવીને તેમનું સશકિતકરણ કરવામાં આવ્યું હતું. ઉજજવલ યોજનાથી તેમને સ્વાસ્થ્યનો લાભ આપવામાં આવ્યો. અગાઉ મહિલાને 12 વીકની માતૃત્વ રજા મળતી હતી જે વધારીને અમે 26 વીક કરી.
નવસારીના વાનસી બોરસીના કાર્યક્રમમાં બધી વ્યવસ્થાઓ મહિલા પોલીસ કર્મીઓ અને કર્મચારીઓના હાથમાં રહી હતી. આ કાર્યક્રમે એક નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. કારણ કે અહીં કાયદો અને વ્યવસ્થા બધા પાસાની જવાબદારી મહિલા પોલીસ અધિકારીઓના હાથમાં રહી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે તેમના ગુજરાતના પ્રવાસના બીજા દિવસે નવસારીમાં લખપતિ દીદી- સંમેલનને સંબોધન કર્યુ જેમાં 1.50 લાખ લખપતિ દીદી મહિલાઓ ઉપસ્થિત હતી. શ્રી મોદી અગાઉ સભા સ્થળે પહોંચતા જ મહિલાઓએ ઉભા થઈને વડાપ્રધાનનું અભિવાદન કર્યુ હતું.
મોદી-મોદીના નારા લાગ્યા હતા. બાદમાં શ્રી મોદીનું મહિલાઓ દ્વારા નિર્મિત ભરતકામ વિ.ની ભેટથી સન્માન કર્યુ હતું અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સહિતના અને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ તથા અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.