રાહુલ ગાંધીનો વિસ્ફોટ ; ભાજપ માટે કામ કરતાં 20 – 30 નેતાઓને કાઢતા અચકાશું નહિં ,
કોંગ્રેસમાં નેતાઓની કમી નથી: ‘બબ્બર શેર’ જેવાને બાંધી રખાયા છે: રેસના ઘોડાને ‘લગ્ન’માં મુકી દેવાયા હોવાની ગર્ભિત ટકોર

ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં પ્રાણ ફુંકવા તથા આવતા મહિને અમદાવાદમાં યોજાનારા પાર્ટીનાં રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી ચકાસવા બે દિવસનાં પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ ગુજરાતમાં પાર્ટીની નિષ્ફળતાનો સ્વીકાર કરીને અર્ધોઅર્ધ નેતાઓ ભાજપ સાથે અને ભાજપની બી ટીમ હોવાનું સનસનીખેજ વિધાન કર્યું હતું. પાર્ટીને જુથવાદથી ઉગારવા જ-2 પડયે 20-30 લોકોને કાઢવા પડે તો પણ વાંધો ન હોવાનું જાહેર કર્યું હતુ.
અમદાવાદમાં આજે કોંગ્રેસનાં 2000 જેટલા આગેવાનો-કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની નેતાગીરીમાં બે પ્રકારના નેતાઓ છે. તેઓ વિભાજીત છે એક નેતાઓનો વર્ગ લોકોની વચ્ચે છે અને પ્રજા માટે લડીને કોંગ્રેસની વિચારધારાને આગળ વધારી રહ્યા છે. બીજા વર્ગનાં નેતાઓ પ્રજાની વચ્ચે જ જતા નથી અને તેમાંથી અર્ધા ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપના એજન્ટ અને ભાજપની ‘બી ટીમ’મ જેવા છે.
ગુજરાત કોંગ્રેસમાં નેતાઓની કમી નથી બબ્બર શેર જેવા નેતાઓને બાંધી રાખવામાં આવ્યા છે. રેસના ઘોડાઓને લગ્નના ઘોડાની જેમ બાંધી દેવાયા છે. આ સ્થિતિ દુર કરવાની હાઈ કમાંડની જવાબદારી છે અને તે માટે 30-40 ને કાઢતા પણ અચકાશુ નહિં.
તેઓએ ઉમેર્યું કે પાર્ટીની અંદર રહેલા બે જુથને અલગ તારવવા પડશે ભાજપ માટે કામ કરતાં નેતાઓને ચિમકી આપી હતી કોંગ્રેસ છોડીને ભાજપનું કામ કરો પાર્ટીના દરેક નેતાના હૃદયમાં કોંગ્રેસ અને તેની વિચારધારા હોવી જોઈએ સીનીયર નેતાથી માંડીને ગ્રામ્ય કક્ષાના કાર્યકરોને લાગુ પડે છે અને આવા લોકોને જ સંગઠનમાં પદ-જવાબદારી મળવી જોઈએ. પ્રદેશ નેતાગીરીને અરીસો દેખાડતા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ કહ્યું કે કોંગ્રેસનાં પ્રદેશ નેતાઓ દિશા દેખાડવામા નિષ્ફળ રહ્યા છે.
ગઇકાલે મેં વરિષ્ઠ નેતાઓ, જિલા અને બ્લોક અધ્યક્ષો સાથે મુલાકાત કરી. મારું લક્ષ્ય હતું કે તમારા દિલની વાત જાણવી અને સમજવી. આ વાતચીતમાં સંગઠન, ગુજરાતનું રાજકારણ અને અહીંની સરકારના કામકાજ સાથે જોડાયેલી ઘણી બધી વાતો સામે આવી. પરંતુ હું અહીં ફક્ત કોંગ્રેસ પાર્ટી માટે આવ્યો નથી, પરંતુ પ્રદેશના યુવાનો, ખેડૂતો, મહિલા અને નાના વેપારીઓ માટે આવ્યો છું.
રાહુલ ગાંધીએ પોતાની જ પાર્ટીના નેતાઓ પર પ્રહાર કરતાં કહ્યું કે ગુજરાતની જનતા વિકલ્પ ઇચ્છે છે. બી ટીમ નહી. આપણી પાસે બબ્બર શેર છે. પરંતુ તેમને પાછળથી ચેન બાંધેલી છે. કોંગ્રેસના બબ્બર શેરમાં વિશ્વાસ નથી .
તેમણે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો, નેતાઓને કહ્યું કે ’આપણા નેતાઓ ગુજરાતની પ્રજા વચ્ચે જાય, પ્રજાને સાંભળો. આ બધુ સરળતાથી થઈ શકે છે. વિપક્ષ માટે ગુજરાતમાં 40 ટકા વોટ પર્સન્ટ છે. જો આપણો વોટ પર્સન્ટ માત્ર 5 ટકા વધી જાય તો અહી સરકાર બની શકે છે. હું ગુજરાતને સમજવા માંગું છું, હું ગુજરાતની જનતા સાથે સંબંધ બનાવવા માંગુ છું.
રાહુલ ગાંધીએ ગઈકાલે યોજેલી જુદી-જુદી બેઠકોમાં આગેવાનો-કાર્યકરોએ પ્રદેશ નેતાગીરી સમક્ષ આક્રમક અને સ્ફોટક રજુઆત કરી હતી.કાર્યકરોએ ખુલ્લેઆમ કહ્યુ હતું કે કોંગ્રેસના જ કેટલાંક નેતાઓ ભાજપ સાથે ભળેલા છે અને તેઓ જ કોંગ્રેસના પતનનું કારણ છે. પ્રદેશ કક્ષાનાં જુથવાદને કારણે આગેવાનોને છુટો દોર મળી શકતો નથી.
એમ કહેવાય છે કે, કાર્યકરોની હૈયાવરાળ બાદ રાહુલ ગાંધીએ નેતાઓ સામે સખ્ત નારાજગી દર્શાવી હતી અને ખખડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસ 1995 થી સતાથી દુર છે અને છેલ્લી ચૂંટણીમાં માત્ર 17 બેઠકો જીતી શકી હતી. નગરપાલિકા-સ્થાનિક સ્વરાજયની તાજેતરની ચૂંટણીમાં પણ કારમો પરાજય થયો હતો.કાર્યકરો આક્રમકતાથી લડી શકે અને તટસ્થ નેતાઓને જ હાઈકમાન્ડ જવાબદારી સોંપે અને તેમને જ હાઈકમાંડ સપોર્ટ કરે તેવી માંગ ઉઠી હતી. નેતાગીરી મામલામાં કોઈ બાંધછોડ ન કરવા સુચન કર્યું હતું. અત્યારનાં નેતાઓ તાલુકાનાં આગેવાનોને ઓળખતા પણ ન હોવા વિશે ધ્યાન દોરાયું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યાર સુધી આપણે આપણી જવાબદારી પૂર્ણ કરશુ ત્યારે ગુજરાતના લોકો કોંગ્રેસ પાર્ટીને પોતાનું સમર્થન આપશે.’ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસ સરકારમાં નથી. જ્યારથી હું ગુજરાત આવું છું ત્યારે ચર્ચા 2007, 2012, 2017, 2022,2027ની ચૂંટણી પર થાય છે. સવાલ ચૂંટણીનો નથી જ્યાર સુધી જે અમારી જવાબદારી છે તેને જ્યાર સુધી અમે પૂર્ણ નહીં કરીયે ગુજરાતની જનતા અમને ચૂંટણી જીતવા નહીં દે.અમારે ગુજરાતની જનતા પાસે માંગવું ના જોઇએ કે તમે અમને સરકાર આપો. જે દિવસે જવાબદારી પૂર્ણ કરી ત્યારે ગેરંટી આપીને કહું છું કે ગુજરાતના લોકો કોંગ્રેસ પાર્ટીને પોતાનું સમર્થન આપશે.’
વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતને રસ્તો જડતો નથી. ગુજરાત રસ્તો જોવા માંગે છે અને આગળ વધવા માંગે છે. કોંગ્રેસ પાર્ટીનો હું સભ્ય છું અને એટલા માટે કહું છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી તેને રસ્તો બતાવી શકતી નથી. હું શરમાઇને નથી કહેતો, હું ડરીને કહતો નથી પણ હું તમારી સામે આ વાત કહેવા માંગુ છું કે પછી કાર્યકર્તા હોય, રાહુલ ગાંધી હોય કે જનરલ સેક્રેટરી હોય અમે ગુજરાતને રસ્તો બતાવી શકતા નથી.
અમે ગુજરાતની જનતાની રિસપેક્ટ કરીએ છીએ તો અમારે સ્પષ્ટ કહેવું પડશે કે આજ સુધી જે છેલ્લા 20-30 વર્ષ ગુજરાતની એક્સપેક્ટેશન અમારી પાસે હતી તે અમે પૂર્ણ કરી શકયા નથી. અમે આ નહીં બોલીયે તો અમારો ગુજરાતની જનતા સાથે સંબંધ નહીં બને. હું અહીં ગુજરાતના યુવાઓ સાથે સંબંધ બનાવવા આવ્યો છુ.