GST ના સ્લેબ દરમાં ફેરફારની તૈયારી ; જીએસટી દરોમાં ઘટાડા ઉપરાંત સમગ્ર ટેક્ષ સિસ્ટમને પણ અત્યંત સરળ બનાવાશે.
સમાન માળખુ તર્ક સંગત - સરળ બનાવાશે : સ્લેબમાં ફેરફાર નિશ્ચિત : ટુંક સમયમાં જ અંતિમ નિર્ણય : નિર્મલા સીતારામન

દેશમાં સીધા કરવેરામાં મહત્વપૂર્ણ આવકવેરાની મુક્તિ મર્યાદા રૂા.12 લાખ સુધી લઈ જઈને એક વિશાળ વર્ગને રાહત આપ્યા બાદ હવે સરકાર આડકતરા વેરાના સૌથી મોટા ટેક્ષ માળખા ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષમાં (જીએસટી) પણ ફેરફાર લાવી રહી છે.
જીએસટી દરોમાં ઘટાડા ઉપરાંત સમગ્ર ટેક્ષ સિસ્ટમને પણ અત્યંત સરળ બનાવાશે. નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને એક બીઝનેસ ડેઈલીના પરિસંવાદમાં બોલતા કહ્યું કે જીએસટી દરોને તર્કસંગત બનાવવા પર ટુંક સમયમાં જ નિર્ણય લેવાશે અને તેમાં સ્લેબમાં પણ ફેરફાર થશે.
સરકારે અગાઉ જ જીએસટીમાં હાલના ચાર સ્લેબના માળખામાં ફેરફારના સંકેત આપ્યા હતા અને 12% તથા 18%ના સ્લેબને ભેળવીને 15%નો નવો દર અમલી બનાવવાની શકયતા દર્શાવી હતી.
તો બીજી તરફ સરકાર ‘સીન’ ગુડસ તરીકે જે ઓળખાય છે તે શરાબ-તંબાકુ અને અલ્ટ્રા લકઝરી ચીજો પરના ટેક્ષ દર ઉંચા લઈ જવાની પણ તૈયાર કરતી હોય તેવા સંકેત હતા. હવે તેમાં કેટલી આગળ મળે છે તેના પર સૌની નજર છે.
શ્રીમતી નિર્મલા સીતારામને કહ્યું કે જીએસટીમાં ટેક્ષ સ્લેબમાં ફેરફારની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે અને સરકાર તેમાં બહુ જલ્દી નિર્ણય લેશે. સરકાર જીએસટીના ગ્રુપના કામકાજની સમીક્ષા કરી રહી છે અને જે કંઈ નિર્ણય લેવાશે તે દેશના હિતમાં હશે.