ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ :પાણીની ચિંતા ન કરતા; ‘નેતા આવે ત્યારે જ સફાઇ’ આવું ન થાય તે જોજો ,

કટારીયા ચોકડીએ ફલાયઓવર - અંડરબ્રિજના ભૂમિપૂજન સહિત 565.63 કરોડના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી

રાજકોટને ઉનાળામાં પાણીની કોઇ ચિંતા કરવી નહીં પડે એવી પાણીદાર ખાતરી રાજય સરકાર વતી મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલે આપી છે. તો સ્વચ્છતાની બાબતમાં પણ રાજકોટ પાટનગર બને તેવી વાત મહાપાલિકા સમક્ષ મૂકવા સાથે તેઓએ ‘માત્ર નેતા આવે ત્યારે સ્વચ્છતા, પછી એમનું એમ’ના બદલે સફાઇ પર કાયમી ધ્યાન આપવા  ટકોર કરી હતી. હાલ સર્વત્ર સ્વચ્છ સર્વેક્ષણ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટનો રેન્ક વધુ સુધારવાની જવાબદારી પણ મુખ્યમંત્રી રાજકોટ આવીને આપતા ગયા છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગઇકાલે કટારીયા ચોકડીએ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી, રૂ.58.54 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ.332.26 કરોડના જુદા જુદા 35 પ્રકલ્પોના ખાતમુહૂર્ત, ખાલી પડેલ કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો તેમજ રૂડાના  રૂ.174.83 કરોડના 6 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જામનગર, કાલાવડ, મોરબી સહિતના રોડને જોડતા કટારીયા ચોકના ઓવરબ્રીજ અને અંડરબ્રીજનું કામ હવે શરૂ થશે અને બે વર્ષ બાદ આ રોડનો ટ્રાફિક પ્રશ્ન ભુતકાળ બનશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધન કરતા ભૂપેન્દ્રભાઈ પટેલે મનપા અને રૂડાના તંત્રવાહકોને આ વિકાસ કામો બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ઇઝ ઓફ લિવિંગ એટલે કે સામાન્ય નાગરિકોના જીવન સરળ, ખુશહાલ, સુખશાંતિમય અને પ્રગતિશીલ બને તે દિશામાં વિશ્વ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણો દેશ ખુબ જ ઝડપથી સર્વાંગી વિકાસ હાંસલ કરી રહ્યો છે.

આ વખતે રાજકોટને પાણીની ચિંતા ન થાય તે માટેની સુદ્રઢ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી ચુકી છે. નાગરિકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ના પડે તેવું આયોજન કરવામાં આવેલ છે. લોકોએ આ બાબતમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેવી ખાતરી આપતા વધુમાં કહ્યું હતું કે શહેરની સુખાકારી માટે રૂ. 565.63 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એક જ દિવસમાં આટલું મોટું કામ થયું છે.

ભૂતકાળમાં કોર્પોરેશનમાં પહેલા એક લાખ રૂપિયાનું કામ કરવામાં પણ વાર લાગતી હતી. જોકે આજે એક જ દિવસમાં કરોડોના કામો થાય છે ભૂતકાળમાં એક લાખ રૂપિયાના કામમાં પણ તકલીફ પડતી હતી ને હવે આજે કરોડોના કામ આસનીથી થાય છે તો તેનું કારણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી છે.

રાજય સરકારે 6 ગ્રોથ સિટી વિકસાવવાનું આયોજન કરેલ છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. આગામી સમયમાં રાજકોટને ગ્રોથ સિટી તરીકે વિકસતા આપણે સૌ જોઈ શકીશું. આ મેગા આયોજન માટે આવશ્યકતા જણાશે તો બજેટ વધારવામાં પણ આવશે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, મોદી સરકારે પર્યાવરણ જાળવણી, પાણી, સ્વચ્છતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી તેને અગ્રતા આપી છે અને રાજકોટ પણ તેને અનુસરી રહ્યું છે.

આજે અહીં આવતા જોયું કે, રાજકોટ જે રંગીલું રાજકોટ છે તે જ રંગીલું રાજકોટ સ્વચ્છ પણ દેખાય છે. વિકાસ માટે સૌએ સાથે મળીને તેમાં સહભાગી થઈએ તો સારા પરિણામો પ્રાપ્ત થઇ શકશે. સરકારની કામગીરીની સાથે નાગરિકો પણ તેમાં પોતાનો સહકાર આપે તે જરૂરી છે. આજે રાજકોટ સ્વચ્છ લાગ્યુ છે પરંતુ માત્ર નેતા આવે ત્યારે જ સફાઇ થાય તેના બદલે કાયમી ધોરણે સફાઇ જળવાઇ રહે તેવું પણ તંત્રને કહ્યું હતું.

મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ આવાસના લાભાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે,  દરેક મનુષ્ય માટે રોટી, કપડા અને મકાન આ ત્રણ પોતાના જીવનની મૂળભૂત જરૂરિયાત પૂરી કરવા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર આમ ડબલ એન્જિનવાળી સરકાર સતત ચિંતા કરી રહી છે.  34 હજાર આવાસો તમામ સુવિધા સાથે અત્યાર સુધીમાં મનપાએ આપ્યા છે.

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ત્વરીત નિર્ણય કરી, શહેરને પીવાનું પાણી પુરૂ પાડતી ભાદર ડેમની પાઈપલાઈન શિફ્ટ કરવા માટે  ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે. હાલમાં જ રાજય સરકાર દ્વારા શહેરને સૌની યોજના મારફત નર્મદા ડેમનું પાણી ફાળવતા આજે ઉનાળામાં શહેરના આજી-1 અને ન્યારી-1 ડેમ છલોછલ ભરવામાં આવેલ છે.

મવડીમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, નવી 25 ઇલે. બસ, કટારીયા ચોકે ઓવરબ્રીજ અને અંડરબ્રીજ, બીજા રીંગ રોડ પર માઇનોર બ્રીજ, પાણી પુરવઠા, ડ્રેનેજ સહિતના કામો શરૂ થયા છે અને રૂડાએ નવા રીંગ રોડ ડેવલપમેન્ટ શરૂ કર્યુ છે. શહેર રહેવાલાયક, માણવાલાયક, હરીયાળું અને રળિયામણું બને તે માટે સાથોસાથ શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે 5 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમન જયમીન ઠાકર દ્વારા, રૂપરેખા મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા દ્વારા અપાયા હતા. મુખ્યમંત્રી દ્વારા વિવિધ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત તકતીનું અનાવરણ તેમજ રીમોટ કંટ્રોલના માધ્યમથી લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કરાયો હતો.  આભારવિધિ  ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયાએ કરી હતી.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ અને ડો.દર્શિતા શાહ, પડધરી-ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર,  કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પોલિસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, રૂડાના સી.ઈ.એ. જી.વી.મિયાણી, મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, ચેરમેન નીતિનભાઈ રામાણી, વોટર વર્કસ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, સમાજ કલ્યાણ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, પ્રભારી પ્રકાશભાઈ સોની, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને મુકેશભાઈ દોશી, પૂર્વ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, ના.કમિશનર મહેશ જાની, સી.કે. નંદાણી અને એચ. આર. પટેલ, કોર્પોરેટરો, પદાધિકારીઓ, અધિકારીઓ હાજર રહ્યા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button