હમાસે કર્યો ઇઝરાયલ પર મોટો હુમલો ; રવિવારે રાત્રે હમાસે દક્ષિણ ઇઝરાયલ પર 10 રોકેટ છોડ્યા હતા ,
ઇઝરાયલી એર ડિફેન્સ સિસ્ટમ (IDF) દસમાંથી માત્ર 5 રોકેટને અટકાવવામાં સફળ રહ્યું હતું. બાકીના પાંચ રોકેટ ઇઝરાયલની અંદર પડ્યા હતા જેના કારણે નુકસાન થયું હતું

ગાઝાના ઉગ્રવાદી સંગઠન હમાસે છેલ્લા ઘણા મહિનાઓ પછી ઇઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો છે. રવિવારે રાત્રે હમાસે દક્ષિણ ઇઝરાયલ પર 10 રોકેટ છોડ્યા હતા. ઇઝરાયલી એર ડિફેન્સ સિસ્ટમ (IDF) દસમાંથી માત્ર 5 રોકેટને અટકાવવામાં સફળ રહ્યું હતું. બાકીના પાંચ રોકેટ ઇઝરાયલની અંદર પડ્યા હતા જેના કારણે નુકસાન થયું હતું. એક રોકેટ અશ્કલોન પર પડ્યું હતું જેમાં એક 30 વર્ષીય વ્યક્તિ ઘાયલ થયો અને તેને સારવાર માટે શહેરની બારજિલાઇન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હમાસે આ હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી.
ઇઝરાયલી મીડિયા અહેવાલો અનુસાર, રાત્રે 9 વાગ્યા પછી મધ્ય ગાઝાના દીર અલ-બલાહથી ઇઝરાયલના દરિયાકાંઠાના શહેરો અશ્કલોન અને અશ્દોદ તરફ રોકેટ છોડવામાં આવ્યા હતા. ઇઝરાયલે કહ્યું છે કે હમાસને આ હુમલાઓ માટે ભારે કિંમત ચૂકવવી પડશે. સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી અને IDF ને હમાસ સામે હુમલાઓ કરવાનો આદેશ આપ્યો હતો.
હુમલા બાદ ઇઝરાયલી સૈન્યના અરબી ભાષાના પ્રવક્તા કર્નલ અવિચાઈ એદ્રાઈએ દીર અલ-બલાહ વિસ્તારમાં રહેતા પેલેસ્ટિનિયન નાગરિકોને સ્થળાંતર કરવાની ચેતવણી જાહેર કરી હતી. IDF હુમલો કરે તે પહેલાં આ છેલ્લી ચેતવણી હોવાનું કહેવાય છે. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે ઇઝરાયલ પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતા રોકેટ લોન્ચરને નિશાન બનાવતા ડ્રોન હુમલો કર્યો હતો.
સોશિયલ મીડિયા પરના ફૂટેજમાં ઇઝરાયલ પર હમાસનો હુમલો દર્શાવવામાં આવ્યો હતો, જેમાં અનેક બહુમાળી એપાર્ટમેન્ટ ઇમારતો નજીક રોકેટ અથડાતા જોવા મળ્યા હતા. હમાસના હુમલા સમયે ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ અમેરિકાની મુલાકાતે હતા. તેમણે પોતાના વિમાનમાંથી સંરક્ષણ પ્રધાન કાત્ઝને ફોન કર્યો હતો. વડા પ્રધાન કાર્યાલય અનુસાર, નેતન્યાહૂએ કાત્ઝને કડક જવાબ આપવા કહ્યું છે. વડાપ્રધાન સાથેની વાતચીત બાદ જાહેર કરાયેલા એક નિવેદનમાં કાત્ઝે જણાવ્યું હતું કે તેમણે IDF ને ગાઝા પટ્ટીમાં હમાસ સામે ચાલી રહેલા આક્રમણને ચાલુ રાખવા સૂચના આપી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે તે પેલેસ્ટિનિયનોને ખત્મ કરી દેશે. ઉપરાંત, તેમણે ઈરાન પર પેલેસ્ટિનિયનોને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પછી ઈરાને પોતાની તાકાત બતાવવાનું નક્કી કર્યું અને એક વિશાળ નૌકાદળ પરેડનું આયોજન કર્યું છે. ઈરાનની આ વિશાળ નૌકાદળ પરેડમાં 3,000 થી વધુ જહાજોએ ભાગ લીધો છે.