રાજકોટ શહેરમાં આજે પણ અગનવર્ષા યથાવત રહી હતી. મહતમ તાપમાન બાદ આજે તો બપોરે અઢી કલાકે જ શહેરનું તાપમાન 43.8 ડીગ્રી નોંધાયું હતું.
બપોરે અઢી વાગ્યા બાદ હજુ તાપમાન વધવાની શકયતા : 10 કી.મી.ની ઝડપે ફુંકાતી આગઝરતી લૂંથી નગરજનો ત્રસ્ત : હજુ તા.10 સુધી હિટવેવનો પ્રકોપ

રાજકોટ શહેરમાં આજે પણ અગનવર્ષા યથાવત રહી હતી. ગઈકાલે રવિવારે 43.9 ડીગ્રી મહતમ તાપમાન બાદ આજે તો બપોરે અઢી કલાકે જ શહેરનું તાપમાન 43.8 ડીગ્રી નોંધાયું હતું. આથી નગરજનો માટે બપોરે ઘરની બહાર નિકળવું દુષ્કર બની ગયું હતું.
કાળઝાળ તાપમાન સાથે બપોરે 10 કી.મી.ની ઝડપે આગઝરતી લૂં ફૂંકાતા લોકો શેકાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે બપોરે અઢી કલાક બાદ પણ તાપમાન વધવાની પૂરી શકયતા છે અને આજે સંભવત: 44 ડીગ્રી સુધી પારો પહોંચી જાય તેવી સંભાવના છે દરમ્યાન બપોરે હવામાંથી ભેજ પણ ઘટીને 19 ટકા રહ્યો હતો.
જયારે આજે સવારે 8-30 કલાકે શહેરનું તાપમાન 27.4 અને લઘુતમ તાપમાન 23.6 ડીગ્રી નોંધાયું હતું. જયારે આજે સવારે હવામાં ભેજ 70 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 10 કી.મી. રહેવા પામી હતી.
દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારો સાથે રાજકોટ જિલ્લામાં 7થી 10 એપ્રિલ સુધીમાં હીટવેવ જારી રહેવાની આગાહી વ્યક્ત કરવા સાથે જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે.
મૌસમ વિજ્ઞાન કેન્દ્ર-અમદાવાદ દ્વારા રાજ્યમાં 24 કલાકમાં તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે રહી શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં 7થી 10 એપ્રિલ દરમિયાન હીટવેવ ફૂંકાઈ શકે છે. કચ્છ પંથક માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં પણ ગરમી વધવા સામે હીટવેવની આગાહી કરવામાં આવી છે અને જિલ્લા માટે યલો એલર્ટ પણ જારી કરાયું છે.
ગરમી અને હીટવેવની સ્થિતિમાં પૂરતી માત્રામાં છાશ-પાણી-લીબુંપાણી સહિતના પ્રવાહી ગ્રહણ કરવા, બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, તડકાથી બચવા છત્રી-ટોપીનો ઉપયોગ કરવા, ચા-કોફી જેવા ગરમ પદાર્થોનું સેવન ટાળવા સહિતની સાવધાની રાખવાની સલાહ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપાઈ છે