કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધી એ કહ્યુંકે કોંગ્રેસનું નબળું સંગઠન ભાજપની સત્તા વિરોધી ભાવનાનો લાભ લઈ શક્યું નહીં.
કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં ભવિષ્યના રોડમેપ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિઓ (DCC) ને સશક્ત બનાવવા, જવાબદારી નક્કી કરવા અને આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે તૈયારીઓ સહિત સંગઠનને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે

અમદાવાદમાં ‘સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક’ ખાતે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી સંસદીય પક્ષના વડા સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ જયરામ રમેશ, મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિ સિંહ ગોહિલ અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં અન્ય કયા નેતાઓ હાજર રહ્યા?
કાર્યકારી સમિતિના અન્ય સભ્યો, રાજ્ય કોંગ્રેસ સમિતિઓના પ્રમુખો, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, રાજ્યોના કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાઓ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
કાર્યકારી સમિતિની બેઠક બાદ અધિવેશન હવે 9 એપ્રિલે યોજાશે. આ અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. આ અધિવેશનની થીમ ‘ન્યાય પથ: સંકલ્પ, સમર્પણ, સંઘર્ષ’ હશે.
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ અધિવેશન દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓ (DCC) ની સત્તાઓ વધારવા, સંગઠન નિર્માણના કાર્યને ઝડપી બનાવવા, ચૂંટણીની તૈયારીઓ અને પદાધિકારીઓની જવાબદારી નક્કી કરવા જેવા નિર્ણયો લેવામાં આવશે. આ સંમેલનમાં પાર્ટીના ટોચના નેતાઓ, કાર્યકારી સમિતિના સભ્યો, વરિષ્ઠ નેતાઓ અને અખિલ ભારતીય સમિતિના સભ્યો હાજરી આપશે.
કોંગ્રેસ અધ્યક્ષે શું કહ્યું?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને આરએસએસ પર પ્રહારો કરતા કહ્યું કે તેઓ સરદાર પટેલ અને નેહરુ વચ્ચેના સંબંધો અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે. દેશને આઝાદી અપાવવામાં અને તેના પુનઃનિર્માણમાં નેહરુ, ગાંધી અને સરદાર પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે ખેડૂતોની માંગણીઓને અવગણવામાં આવી રહી છે. આ પટેલનું અપમાન છે.
પ્રિયંકા ગાંધીની બેઠકમાં ગેરહાજરી અંગે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પ્રિયંકાએ કોંગ્રેસ અધ્યક્ષ પાસેથી સંસદ અને અધિવેશનમાં હાજર ન રહેવા માટે રજા માંગી હતી. વિદેશમાં તેમના કેટલાક કાર્યક્રમો પહેલાથી જ નક્કી હતા. એટલા માટે તે હાજર રહ્યા નથી. તેમના સિવાય બીજા ઘણા લોકો હતા, કોઈ એક વ્યક્તિ વિશે પ્રશ્નો ઉઠાવવા યોગ્ય નથી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે કહ્યું હતું કે ગુજરાતમાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ અન્યાય યુવાઓને થયો છે. ગુજરાતના યુવાઓનું ભવિષ્ય અંધકારમય કરવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. ભાજપના શાસનમાં ડ્રગ્સનું દૂષણ બેફામ રીતે ફેલાયું છે. સુરત અને રાજકોટમાં લોકો સળગીને મરે છે છતાં તેમના પરિવારને ન્યાય મળતો નથી. મોરબીમાં પુલ પડવાથી, વડોદરામાં બોટ ઉંધી વળતા નાના બાળકોના મૃત્યુ થયા હતા. ભાજપના રાવણરાજથી ગુજરાતની પ્રજા મુક્ત થવા ઈચ્છે છે.
કૉંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે 2027માં ગુજરાતની ચૂંટણી કૉંગ્રેસ જીતશે. શશી થરુરના પ્રસ્તાવને ગેનીબેને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાત મોડલનો ઢંઢેરો પીટવામાં આવે છે તે માત્ર ઢંઢેરો છે. ગુજરાતમાં કૂપોષિત બાળકો હજુ જન્મે છે. ભાજપની સરકારમાં સેવા માટે નહીં પણ ભ્રષ્ટાચાર માટેની યોજના છે. ભાજપ રાજકીય પક્ષ નહીં ખાનગી પાર્ટી છે