દેશમાં ગોલ્ડ લોન ; બેન્કો – એનબીએફસી માટે સંભવિત નિયમોનો ડ્રાફટ પેપર પ્રસિધ્ધ : વ્યક્તિગત મહતમ ધિરાણ નિયમ નિશ્ચિત થશે
સોના પર લોનમાં નવા - જૂની કરવા નહી દેવાય : 75.25%નો રેશિયો : ધિરાણના જોખમો અંગે પણ સ્પષ્ટ નીતિ અપનાવાશે

ભારત સહિત વિશ્વભરમાં સોનાના ભાવમાં જબરા વધારા અને એક સમયે ફકત સંકટ ટાળવા જ સોના પર ધિરાણ કે સોનુ વેચવાનો જે ભારતમાં રિવાજ હતો તેમાં હવે સોનુ એક ટ્રેડીંગ-ઈન્વેસ્ટમેન્ટ અને કોઈ અન્ય ખરીદી કે લગ્ન સહિતના પ્રસંગોમાં નાણાકીય જરૂરિયાત માટે સોના પર ધિરાણ એ ખૂબ જ સામાન્ય બની ગઈ છે અને સોના પરનું ધિરાણ પણ ખૂબજ સરળ બની ગયુ છે.
તાજેતરમાં શેરબજારના કડાકા સહિતના કારણે નાણાકીય જરૂરિયાત માટે સોના પર ધિરાણની માંગ વધી ગઈ છે તથા હવે સોના પરનું ધિરાણ રૂા.1.91 લાખ કરોડ પર પહોંચી ગયુ છે. બેન્કો અને નોન બેન્કીંગ કંપનીઓ સોના પર ધિરાણ માટે ખાસ અલગ વિભાગો પણ ખોલવા લાગ્યા છે પણ તેઓ હવે તમામ માટે એક સમાન નિયમ અને ગોલ્ડ લોન પર નિયમન માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા આગળ આવી છે.
જેનો હેતુ એક તરફ ગોલ્ડમેન લેનાર વ્યક્તિના હકકોનું રક્ષણ થાય અને બીજી તરફ ધિરાણ આપનાર બેન્કો તથા નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ પર આ પ્રકારના ધિરાણમાં પણ ‘જોખમ’નું જે તત્વ છે તેને નજર અંદાજ કરી શકાય નહી તે નિશ્ચિત બનાવવા માંગે છે. રિઝર્વ બેન્કે જારી કરેલા ડ્રાફટ પેપરમાં આ તમામ બાબતો આવરી લેવાઈ છે.
બેન્કો અન્ય ધિરાણ માટે જે ક્રેડીટ-રીસ્ક એટલે ધિરાણ સાથે જોખમની મેનેજમેન્ટની જે નીતિ બનાવે છે તે જ હવે સોના પરના ધિરાણને લાગુ કરવા રીઝર્વ બેન્ક આતુર છે. જેમાં વ્યક્તિગત ધિરાણની મર્યાદા અને બેન્કોના કે નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓના કુલ ધિરાણમાં સોના પરના ધિરાણના પોર્ટફોલિયોની મર્યાદા પણ નિશ્ચિત કરશે તો લોન-ટુ-વેલ્યુ સોનાની કિંમત અને તેની સામે લોનમાં 75%ની મર્યાદા આવી શકે છે.
એટલું જ નહી રિઝર્વ બેન્ક એ પણ નિશ્ચિત કરવા માંગે છે કે ધિરાણનો હેતુ શું હશે એટલે કે તેના નાણાના ઉપયોગ પર પણ રિઝર્વ બેન્ક નજર રાખવા માંગે છે. ઉપરાંત સોનુ લઈને આવે એટલે તેને ધિરાણ આપી દેવુ તેવુ નહી.
સોનાની માલીકીમાં જો શંકા હોય તો બેન્કો કે નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ તેના પર ધિરાણ આપશે નહી અને સોના પર નવા-જુનુ એટલે કે જૂની સોના લોન ભરપાઈ કરવા કે ભાવ વધારાનો લાભ લેવા માટે જે તે લોનને નવા જૂની કરવા પર નિયંત્રણ મુકાશે.
લોનમાં લેનારના હેતુ માટે શકય તેટલી વધુ માહિતી મેળવવી પડશે. રિઝર્વ બેન્ક સોના સામેના ધિરાણના તમામ બેન્કો-નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓના પોર્ટફોલીયા પારદર્શક હોય તે નિશ્ચિત કરવા માંગે છે.
તમામ માટે એક સમાન નિયમો હોય તો ગ્રાહકને પણ ધિરાણ માટે પસંદગી કરવામાં સરળતા રહેશે. આ ડ્રાફટ પેપર પર ચર્ચા બાદ રિઝર્વ બેન્ક નિયમો નિશ્ચિત કરશે.