ગુજરાતમાં અન્ય રાજ્યોના બોગસ હથિયાર લાયસન્સ મેળવી હથિયાર ખરીદી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એટીએસ દ્વારા ગુજરાતના સાત જેટલા મુખ્ય આરોપી અને એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.
બોગસ લાયસન્સથી હથિયાર લેવાનો ખેલ ઉઘાડો, નાગાલેન્ડ સુધી તાર, ગુજરાત ATSની મોટી કાર્યવાહી

ગુજરાત એટીએસ તેમજ અન્ય એજન્સીઓ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા બોગસ હથિયાર લાયસન્સના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો.. મણીપુર અને નાગાલેન્ડ રાજ્યના બોગસ લાઇસન્સ બનાવડાવી હરિયાણાથી હથિયારોની ખરીદી કરવામાં આવતી હતી. સમગ્ર કૌભાંડને લઈને એટીએસ દ્વારા 108 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જેમાં ગુજરાતના મુખ્ય સાત એજન્ટોની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. .તેમની પૂછપરછમાં તેમણે 49 જેટલા લોકોને મણીપુર અને નાગાલેન્ડ રાજ્યના હથિયાર લાયસન્સ બનાવડાવી આપ્યા હોવાનું કબુલ કર્યુ અને હરિયાણાથી લાયસન્સ ખરીદી કરાવડાવ્યું હોવાનો ખુલાસો થયો. જેના આધારે એટીએસ દ્વારા 16 જેટલા લોકોની ધરપકડ કરાઇ છે. આ 16 લોકો દ્વારા અગાઉ પકડાયેલા સાત લોકો પાસેથી બોગસ હથિયાર લાયસન્સ અને હથિયારો ખરીદવામાં આવ્યા હતા.
એટીએસ દ્વારા અનિલ રાવલ, અરજણ ભરવાડ, ભરત ભરવાડ, દેહુલ ભરવાડ, દેહુર ભોકરવા, જનક પટેલ, જય પટેલ, જગદીશ ભુવા, લાખા ભરવાડ, મનીષ રૈયાણી, નિતેશ મીર, રમેશ ભરવાડ, રિશી દેસાઈ, સમીર ગધેથરીયા, વિરાજ ભરવાડ અને વિરમ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. જેમની તપાસ કરતા પોલીસને કુલ 15 હથિયાર અને 489 રાઉન્ડ કારતુસ મળી આવ્યા છે. પકડાયેલા 16 આરોપી માંથી અરજણ ભરવાડ, જનક પટેલ, જગદીશ ભુવા, મનીષ રૈયાણી, રમેશ ભરવાડ અને વિરમ ભરવાડ વિરુદ્ધ અગાઉ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પકડાયેલા આરોપીઓ ગુજરાતના અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં રહે છે. આવનારા દિવસોમાં એટીએસ દ્વારા તમામના ઘરે જઈને પંચનામું કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. આ તમામ આરોપીઓ નાગાલેન્ડ મણીપુરના લાયસન્સ ધરાવે છે.
અત્યાર સુધીની એટીએસ ની તપાસમાં અને મુખ્ય સાતેય આરોપીઓની પૂછપરછ માં સામે આવ્યું છે કે રાજ્યમાં 108 જેટલા લોકોને આ સાતેય આરોપીઓ દ્વારા મણીપુર નાગાલેન્ડના લાઇસન્સ અપાવવામાં આવ્યા છે. આ સાતેય એજન્ટો પાસે પણ મણીપુર નાગાલેન્ડના લાઇસન્સ અને હથિયારો પણ હતા, જેથી સમાજના લગ્ન પ્રસંગે ધાર્મિક પ્રસંગમાં આરોપીઓ પોતાના હથિયાર અન્ય લોકોને અને ખાસ કરીને યુવાનોને બતાવતા હતા તેમજ તેમને સરળતાથી લાયસન્સ અને હથિયારો અપાવવાની લાલચ પણ આપતા હોવાનું સામે આવ્યું છે. જેથી અન્ય લોકો પણ 7 થી 20 લાખ રૂપિયામાં મણીપુર નાગાલેન્ડ રાજ્યનું લાઇસન્સ મેળવી હરિયાણાથી હથિયાર ખરીદતા હતા જેમાં સાતે એજન્ટોને મોટી રકમનું કમિશન મળતું હતું.
મહત્વનું છે કે એટીએસ ની તપાસમાં સામે આવ્યું હતું કે હથિયાર લાયસન્સ મેળવવા માટે લોકો પાસેથી છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન, આધારકાર્ડ તેમજ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ માંગવામાં આવતું હતું.. જેના આધારે તે હરિયાણાના હથિયારની દુકાન ધારક સૌકત અલી અને તેમના માણસોને આપતા હતા. જે બાદ હરિયાણાના એજન્ટો મણીપુર નાગાલેન્ડના અન્ય એજન્ટો સાથે સંપર્કમાં હતા જેના આધારે મણીપુર નાગાલેન્ડ ના રહેઠાણનું ભાડા કરાર તેમજ અન્ય ડોક્યુમેન્ટના આધારે ત્યાંના લાયસન્સ બનાવતા હતા. મુખ્યત્વે જુના રીન્યુ નહીં થયેલા લાઇસન્સ પર ગુજરાતના લોકોના નામ ચડાવી તેના નામ પર લાયસન્સ બનાવડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2002, 2005, 2012 અને 2016 માં પણ ગુજરાત પોલીસ દ્વારા નાગાલેન્ડ મણીપુરના બોગસ લાયસન્સનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. જોકે વર્ષ 2019 માં નાગાલેન્ડ સરકારે વટહુકામ બહાર પાડ્યો હતો જેમાં અન્ય રાજ્યોના લોકોને હથિયાર લાયસન્સ ન આપવાનું જણાવ્યું હતું તેમજ અન્ય રાજ્યોના લોકો ત્યાં વસવાટ કરતા હોય તો લાઇસન્સ આપતા પહેલા જે તે રાજ્યનાં રહેઠાણનું સ્થાનિક વેરિફિકેશન પણ કરાવવા માટે નિયમ બહાર પાડ્યો હતો પરંતુ ફરીથી આ પ્રમાણેનું કૌભાંડ સામે આવતા મણીપુર નાગાલેન્ડ ની એજન્સીના અધિકારીઓ કે કર્મચારીઓ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા છે કે કેમ તેની પણ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે મણીપુર નાગાલેન્ડના અમુક જિલ્લાઓ તરફથી એટીએસને લેખિત ખુલાસો કરવામાં આવ્યો છે કે તેમના દ્વારા કોઈપણ પ્રકારના ગુજરાતના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા નથી, જેથી હવે એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઇ છે..