રાજ્ય સરકાર ચાર વર્ષના અંતરાલ પછી એગ્રી બિઝનેસ પોલિસી રજૂ કરશે, 2016માં જાહેર થયેલી નીતિમાં જે ખામીઓ હતી તે દૂર કરીને નવી પોલિસીમાં AI જેવી ટેકનોલોજીનો સમાવેશ કરી ખેડૂતોની આવક વધારવા પ્રયાસ કરાશે
રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્યસચિવ અંજુ શર્માએ આ પોલિસી અંગે જણાવ્યું હતું કે, ''ઓર્ગેનિક-પ્રાકૃતિક ખેતીને વેગ આપતી નવી પોલિસીમાં વેલ્યુ એડિશન, ફુડ પ્રોસેસિંગ યુનિટ, કોલ્ડસ્ટોરેજ, ઔદ્યોગિક એકમો અને આંતરમાળખાકીય સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે

ગુજરાતમાં કૃષિને વેગ આપવા તેમજ ખેડૂતોની આવકને ડબલ કરવા માટે ઉંચા ભાવ મળે તેવી વ્યવસ્થાના ભાગરૂપે રાજ્ય સરકાર નવી કૃષિ ઉદ્યોગો પોલિસીની જાહેરાત કરવા જઇ રહી છે. 2026ના વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટને ધ્યાને રાખીને આ પોલિસી ચાર વર્ષના અંતરાલ પછી આવી રહી છે અને જેમાં ખેડૂતો ઉપરાંત કૃષિ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને સહાય તેમજ પ્રોત્સાહન આપવામાં આવશે
રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્યસચિવ અંજુ શર્માએ આ પોલિસી અંગે જણાવ્યું હતું કે, ”ઓર્ગેનિક-પ્રાકૃતિક ખેતીને વેગ આપતી નવી પોલિસીમાં વેલ્યુ એડિશન, ફુડ પ્રોસેસિંગ યુનિટ, કોલ્ડસ્ટોરેજ, ઔદ્યોગિક એકમો અને આંતરમાળખાકીય સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત માર્કેટીંગના પડકારો, ગ્રાહકની રૂચિ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર વાતાવરણ, વૈશ્વિક સ્પર્ધાત્મકતા, ડ્રોન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બહોળો ઉપયોગ જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે”
કૃષિ વિભાગે 2016માં પાંચ વર્ષ માટે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ બનાવી હતી, જેની અવધિ 2021માં પૂર્ણ થઈ ગઈ છે અને જેના પછી રાજ્યમાં હાલ કોઇ કૃષિ ઉદ્યોગો પોલિસી અસ્તિત્વ ધરાવતી નથી. જે મુદ્દે એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ 2022 હેઠળ કૃષિ ફુડ પ્રોસેસિંગને થ્રસ્ટ સેક્ટર તરીકે પ્રસ્થાપિત કર્યું છે
આજે ભારતની કૃષિ નિકાસમાં ગુજરાતનો ફાળો ટોચક્રમે છે. રાજ્યની કૃષિ પેદાશો તેમજ પ્રોસેસ્ડ ફુડ પ્રોડક્ટ્સની વૈશ્વિક સ્તરે નિકાલ કરવામાં આવી રહી છે. છેલ્લે યોજવામાં આવેલી વાયબ્રન્ટ સમિટમાં કૃષિ ક્ષેત્રે 25થી વધુ B2B અને B2G બેઠક કરવામાં આવી હતી, જેમાં એગ્રો ફુડ પ્રોસેસિંગના ઉદ્યોગકારો અને મશીન મેન્યુફેક્ચરીંગ કંપનીઓએ ભાગ લીધો હતો. આ પોલિસીમાં આ બેઠકોની નોંધને સમાવી લેવામાં આવી છે. વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, ”એગ્રો ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રને વિકસાવવા માટે ગુજરાત પાસે ટ્રાન્સપોર્ટ કનેક્ટિવીટી, કૃષિ ઉત્પાદનોની વિવિધતા તેમજ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે તેથી આ ક્ષેત્રે ઉદ્યોગોનો સંસ્થાગત રીતે વિકાસ થાય તે માટે ઇન્ટેક્ષ્ટ-એ મહત્વની ભૂમિકા ભજવશે, જે ભારત સરકારની તમામ સંસ્થાકીય વ્યવસ્થાઓ સાથે લાયઝન કરી એગ્રી બિઝનેસ સેક્ટરને વેગ આપશે.
2016ની નીતિ પ્રમાણે ફુડ પ્રોસેસિંગમાં કોઇપણ નવા પ્રોજેક્ટની સ્થાપના તેમજ અપગ્રેડ કરવામાં કુલ ખર્ચના 25 ટકા રકમ અપાતી હતી. કોલ્ડચેઇન, ફુડ ઇ-રેડિયેશન, પેકેજિંગ હાઉસ અને ફુડ પાર્ક સંબંધિત પ્રોજેક્ટના કુલ ખર્ચના 25 ટકા સબસીડી ઉપરાંત ખેતપેદાશની પ્રાથમિક પ્રક્રિયા તેમજ સંગ્રહ કેન્દ્ર સ્થાપવામાં કુલ ખર્ચના 25 ટકા સબસીડીની યોજના હતી, જ્યારે કોલ્ડસ્ટોરેજ, કાર્ગો કોમ્પલેક્સ MSME એકમોને ISI, FSHAI જેવા ગુણવત્તા પ્રમાણપત્રોના કુલ ખર્ચ સામે 50 ટકા સબસીડી, કૌશલ્ય તાલીમ કાર્યક્રમ માટે તાલીમ ખર્ચના 50 ટકા પ્રોત્સાહન અને જમીન વેચાણ, લીઝ તેમજ ટ્રાન્સફર વખતે સ્ટેમ્પડ્યુટીમાં 50 ટકા રિફંડ અપાયું છે. રાજ્ય સરકારે APMC કામગીરીમાં સુધારો કરવા તેમજ ટર્મિનલ આધારિત બજાર, કોમોડિટી સ્પોટ માર્કેટીંગ, ખાનગી માર્કેટ યાર્ડ પર વિશેષ ધ્યાન કેન્દ્રીય કરવાની યોજના બનાવી હતી. આ તમામ બાબતો નવી પોલિસીમાં ચાલુ રાખવામાં આવશે.