પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડનો મુખ્ય આરોપી અને ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમની એક હોસ્પિટલમાંથી ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલ મેહુલ ચોક્સીને હાલ બેલ્જિયમના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો, જાણો મેહુલ ચોક્સીનો બેલ્જિયમથી ક્યાં ભાગી જવાનો પ્લાન હતો અને પોલીસે દબોચી લીધો

મેહુલ ચોક્સી આ નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડનો મુખ્ય આરોપી અને ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમની એક હોસ્પિટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ધરપકડ કરાયેલ ભાગેડુ મેહુલ ચોક્સીને હાલ બેલ્જિયમના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. આ તરફ સૂત્રો મુજબ મેહુલ ચોક્સીની ધરપકડ ત્યારે કરવામાં આવી કે જ્યારે તે બેલ્જિયમથી સ્વિટ્ઝર્લેન્ડ જવાની યોજના બનાવી રહ્યો હતો.
ચોક્સીની ધરપકડ 2018 અને 2021માં મુંબઈની એક અદાલત દ્વારા જાહેર કરાયેલા બે બિન-જામીનપાત્ર વોરંટના આધારે કરવામાં આવી હતી. આ ભાગેડુ મેહુલ ચોક્સીની 12 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો કહે છે કે તેની તબિયત સારી નથી. તે બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યો છે અને તેની સારવાર પણ ચાલી રહી છે.
અહેવાલો મુજબ મેહુલ ચોક્સીનું ભારત પ્રત્યાર્પણ ભારતીય તપાસ એજન્સીઓ માટે ખૂબ પડકારજનક રહેશે કારણ કે ઇન્ટરપોલે તેની રેડ કોર્નર નોટિસ પાછી ખેંચી લીધી છે. ચોક્સી સ્વાસ્થ્યના કારણોસર જામીન માટે અરજી કરી શકે છે. અહેવાલ મુજબ તે બેલ્જિયમની કોર્ટમાં એન્ટિગુઆમાં તેના અપહરણનો ઉલ્લેખ કરી શકે છે. હકીકતમાં ચોક્સીએ આરોપ લગાવ્યો હતો કે, ભારતીય તપાસ એજન્સીઓએ એન્ટિગુઆમાં તેનું અપહરણ કર્યું હતું. ભારતીય તપાસ એજન્સીઓને આશા છે કે, જો તેને જામીન મળે તો તેને એન્ટિગુઆ પાછા જવાની મંજૂરી ન મળે.
હીરાનો વેપારી મેહુલ ચોક્સી કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડનો મુખ્ય આરોપી છે. આ કૌભાંડ 13,500 કરોડ રૂપિયાથી વધુનું છે. ચોક્સી 2018થી એન્ટિગુઆમાં રહે છે. ED એ મેહુલ ચોક્સી વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ દાખલ કરી છે. 2019માં ED એ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે, ચોક્સી ‘ભાગેડુ અને ફરાર’ છે. 2018માં પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ચોક્સી ભારતમાંથી ભાગી ગયો હતો. ચોક્સીનો ભત્રીજો નીરવ મોદી પણ આ કૌભાંડનો આરોપી છે અને લંડનમાં પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે.
મેહુલ ચોક્સીએ 2014 થી 2017 દરમિયાન તેના સહયોગીઓ અને પંજાબ નેશનલ બેંક (PNB)ના અન્ય અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હતી અને PNB પાસેથી લેટર્સ ઓફ અંડરટેકિંગ અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ બનાવ્યા હતા જેના પરિણામે PNB ને 6097.63 કરોડ રૂપિયાનું ખોટું નુકસાન થયું હતું. તપાસ દરમિયાન ED એ સમગ્ર ભારતમાં 136 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને મેહુલ ચોક્સીના ગીતાંજલિ ગ્રુપ સાથે સંબંધિત 597.75 કરોડ રૂપિયાની કિંમતી વસ્તુઓ/ઝવેરાત જપ્ત કરી હતી. વધુમાં મેહુલ ચોક્સી અને ગીતાંજલિ ગ્રુપની રૂ. 1968.15 કરોડની સ્થાવર/જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. જેમાં ભારત અને વિદેશમાં સ્થાવર મિલકતો, વાહનો, બેંક ખાતાઓ, એક ફેક્ટરી, લિસ્ટેડ કંપનીઓના શેર અને ઝવેરાતનો સમાવેશ થાય છે. આ કેસમાં ત્રણ ફરિયાદ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.
વિગતો મુજબ બે અઠવાડિયા પહેલા ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી અને તેની પત્ની પ્રીતિ ચોક્સીએ બેલ્જિયમમાં F રેસીડેન્સી કાર્ડ મેળવ્યું. બેલ્જિયમની નાગરિક પ્રીતિ ચોક્સીના વિસ્તૃત પરિવારની જેમ દેશમાં કૌટુંબિક સંબંધો ધરાવે છે. 2024માં આ દંપતી એન્ટિગુઆથી બેલ્જિયમ સ્થળાંતરિત થયું. નોંધનીય છે કે, મહઇલ ચોક્સીના ભત્રીજા નીરવ મોદીની મે 2019 માં લંડનમાં મેટ્રોપોલિટન પોલીસે ધરપકડ કરી હતી. જોકે મોદીએ પ્રત્યાર્પણ માટે તમામ કાનૂની માર્ગો અજમાવી લીધા હતા તે હજુ પણ યુકેની જેલમાં છે.એન્ટિગુઆ મીડિયાના અગાઉના અહેવાલો સૂચવે છે કે,મેહુલ અને પ્રીતિ ચોક્સી જીનીવામાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છે.આ વર્ષની શરૂઆતમાં ચોક્સીના કાનૂની સલાહકારે મુંબઈની એક ખાસ કોર્ટને જાણ કરી હતી કે, તે હાલમાં બેલ્જિયમના એન્ટવર્પમાં છે અને બ્લડ કેન્સરની સારવાર લઈ રહ્યો છે.
અહીં એ પણ નોંધનીય છે કે, અગાઉ મે 2021માં મેહુલ ચોક્સી એન્ટિગુઆથી ગુમ થયાના અહેવાલો પણ આવ્યા હતા પરંતુ બાદમાં તે ડોમિનિકામાં હોવાનું જાણવા મળ્યું હતું. CBIએ મેહુલ ચોક્સી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે ઇન્ટરપોલને અપીલ કરી હતી. આ પછી 2018માં ઇન્ટરપોલે ચોક્સી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ચોક્સી દ્વારા રેડ કોર્નર નોટિસ દૂર કરવા માટે ઇન્ટરપોલમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આમાં તેણે દાવો કર્યો હતો કે, 2021માં ભારતીય તપાસ એજન્સીઓએ તેનું ‘અપહરણ’ કર્યું હતું અને તેમને ડોમિનિકા લઈ ગયા હતા. આ કારણોસર ઇન્ટરપોલે તેમની સામે રેડ કોર્નર નોટિસ દૂર કરવાનો નિર્ણય લીધો છે.
EDએ મેહુલ ચોક્સીની 1,217 કરોડ રૂપિયાની 41 સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી હતી. જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા તેમના બે ફ્લેટ, કોલકાતામાં એક મોલ, મુંબઈ-ગોવા હાઇવે પર 27 એકર જમીન, તમિલનાડુમાં 101 એકર જમીન, આંધ્રપ્રદેશના નાગપુર, નાસિકમાં જમીન, અલ્લાબાગમાં બે બંગલા અને સુરતમાં ઓફિસનો સમાવેશ થાય છે.