અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો છે ; હથિયારો સાથે અસામાજીક તત્વોએ આખી સોસાયટી બાનમાં લીધી
અજિત મીલ ચાર રસ્તા પાસે આવેલી રેસિડેન્સીમાં રહેણાંક મકાનમાં ઘાતકી હુમલો કર્યો છે

રાજ્યમાં અસામાજિક તત્વોને કાબૂમાં કરવા માટે પોલીસ જેમ જેમ કડક કાર્યવાહી કરી રહી છે. તેમ તેમ બેફામ તત્વોની હિંમતમાં પણ વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો છે. અજિત મીલ ચાર રસ્તા પાસે આવેલી રેસિડેન્સીમાં રહેણાંક મકાનમાં ઘાતકી હુમલો કર્યો છે.
રહેણાંક મકાનમાં 7-8 શખ્સોનું ટોળી રેસિડેન્સીમાં હથિયારો સાથે ધસી આવ્યું હતું. તલવાર, લાકડી, પાઈપ, ધોકા જેવા હથિયારોથી ઘર પર હુમલો કરવા લાગ્યા હતા. ઘરમાં આગળનો ગેટ બંધ હોવાથી ઉત્પાતી શખ્સોએ મોટા મોટા પથ્થરોના ઘા પણ કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે ઘટનાને લઈ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદમાં રહેવું સામાન્ય પ્રજા માટે દિવસે ને દિવસે કપરું થઈ રહ્યું છે. કારણકે, અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં છાશવારે લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ઘર પર હુમલાની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્વોનો ડર જોવા મળ્યો છે. ત્યારે એક જ સવાલ થાય કે, અમાદાવાદ રહેવા લાયક રહ્યું નથી?
અસામાજિક તત્વો પર ક્યારે લગામ લાગશે? પોલીસની કડક કાર્યવાહી છતા કેમ નથી સુધરતા આવારા તત્વો? શું પોલીસની કાર્યવાહીથી કોઈ ફરક નથી પડતો? જાહેરમાં તલવાર જેવા હથિયારથી હુમલો, કાયદાનો ડર કેમ નથી? બેફામ તત્વોને કાબૂમાં કરવા શું પગલા ભરાશે? લોકોમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે કેવી કાર્યવાહી થશે?