વકફ વિવાદ : કાનૂન બનાવવાના સંસદના અધિકાર પર સુપ્રિમ દખલ નહીં કરે ,
સંસદ - સુપ્રિમ વચ્ચેની લક્ષ્મણરેખાને સ્વીકારી ફકત બંધારણીય મુદાઓ પર જ જશે સુપ્રિમ કોર્ટ : ધાર્મિક સ્વતંત્રતાનો મુદો પણ એરણે

દેશના કરોડો મુસ્લીમ સમુદાયના લાભાર્થે કેન્દ્ર સરકારે સુધારેલા વકફ ખરડાને પુરી બહુમતીથી સંસદે મંજુર કર્યા બાદ ઓલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ સહિતના અનેક મુસ્લીમ સંગઠનો તથા મુસ્લીમ સમુદાયના સાંસદો અને અન્ય એ સુપ્રીમમાં આ કાનૂની સુધારાને પડકારની રીટ અરજી પર આજથી સુપ્રીમકોર્ટમાં સુનાવણી શરૂ થતા જ નવો તનાવ શરૂ થયો છે.
એક તરફ આ કાનૂનના વિરોધમાં પ.બંગાળ સહિતના રાજયોમાં હિંસક વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે તે પુર્વે 70 જેટલી અરજીઓ પર આજે સુનાવણી શરૂ થશે.
સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના વડપણ હેઠળની ખંડપીઠ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે આ પુર્વે જ સ્પષ્ટતા કરી છે કે તે કાનૂન બનાવવાની સંસદના અધિકાર ક્ષેત્ર પર કોઈ સુનાવણી કરશે નહી.
આમ ખુદ સર્વોચ્ચ અદાલતે જ પોતાની મર્યાદા નિશ્ચિત કરી છે પણ આ સુધારાને બંધારણની જોગવાઈથી વિપરીત હોવાની જે અરજી થઈ છે તેના મુદા પર જ વિચારણા કરશે. અરજદારોએ દાવો કર્યો છે કે આ કાનૂન, સમાનતાના અધિકાર, ધાર્મિક પ્રથાઓ અપનાવવાના અધિકાર અને મૌલિક અધિકારોનું હનન કરે છે.
આ ખરડાને કોંગ્રેસ, જનતાદળ, આમઆદમી પાર્ટી, ડીએમકે, તૃણમુલ કોંગ્રેસ, વાયએસઆર કોંગ્રેસ, સીપીઆઈ સહિતના રાજકીય પક્ષો સાથે જોડાયેલા નેતાઓ અનેક મુસ્લીમ ધાર્મિક સંગઠનો, જમીયતે ઉલેમા અને ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડ તથા અનેક મુસ્લીમ એનજીઓ પણ જોડાયા છે.
તો બીજી તરફ ભાજપ શાસનના મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, આસામ, મહારાષ્ટ્ર અને ઉતરાખંડની સરકારોએ પણ ખરડાના ટેકામાં પોતાની રીટ કરીને પક્ષકાર બનવા તૈયારી કરી છે. વિરોધ અરજીમાં મોટાભાગે તે મુસ્લીમ સમુદાય વિરોધી હોવાનો દાવો કરાયો છે.
એ.આઈ.એન.આઈ.એમ.ના પ્રમુખ અને સાંસદ અસદુદીન ઓવેસી જેણે લોકસભામાં પણ આક્રમક રીતે આ કાનૂનનો વિરોધ કર્યો હતો. તેઓએ વકફને ધાર્મિક સુરક્ષા મળી છે તેને ખત્મ કરવાનો આરોપ મુકયો છે.
જો કે સરકારે આ સુધારા ખરડો એ કોઈ ધાર્મિક દખલગીરી નહી પણ જે રીતે વકફની લાખો, કરોડોની સંપતિ છે. તેનું યોગ્ય સંચાલનનો જ છે. તેઓ કોઈ ધાર્મિક દખલગીરી સરકાર કરવાની નથી.
લાખો-હેકટર જમીન સહિતની સંપતિના વહીવટમાં કોઈ પારદર્શકતા નથી. ફકત થોડા લોકો તેનું સંચાલન કરે છે અને વિશાળ મુસ્લીમ સમાજને તેનો લાભ મળતો નથી તથા આ ખરડો એ સંબંધીત તમામ વર્ગ સાથે ચર્ચા-વિચારણા કરી તેમના અભિપ્રાયોને મહત્વ આપીને તૈયાર કરાયા છે.
આજે સુપ્રીમ કોર્ટમાં વકફ કાનૂન મુદે સુનાવણી પુર્વે જ ગઈકાલે કેન્દ્રીય કાનૂન મંત્રી કિરણ રિજજુએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે સુપ્રીમકોર્ટ એ ધારાકીય બાબતોમાં કોઈ ટિપ્પણી કરશે નહી.
તેમણે કહ્યું કે, સંસદ અને ન્યાયતંત્ર એકબીજા માટે સન્માન ધરાવે છે. આવતીકાલે સરકાર ન્યાયતંત્રમાં દખલગીરી કરે તો તે પણ યોગ્ય ગણાશે નહી. કારણ કે બંનેની સતાઓને ખૂબ સારી રીતે સ્પષ્ટ કરાઈ છે.
તેમણે કહ્યું કે, તાજેતરના ઈતિહાસમાં કોઈપણ ખરડા અંગે આટલું વિશ્ર્લેષણ થયુ નથી. સૌથી વધુ પ્રતિનિધિત્વ મારફત સૂચનો મંગાવાયા હતા. સંયુક્ત સંસદીય કમીટીને પણ ખરડો સોંપાયો હતો અને લોકસભા તેમજ રાજયસભામાં રેકોર્ડ સમય સુધી ચર્ચા થઈ હતી.
વકફ ખરડા અંગે એક તરફ સુપ્રીમકોર્ટમાં સુનાવણી આજે શરુ થઈ છે તો બીજી તરફ કેટલાક સંગઠનોએ એવી ધમકી આપી છે કે જો સર્વોચ્ચ અદાલત ખરડો મંજુર ન રાખે તો સમગ્ર દેશને ઠપ્પ કરી દેવાશે.
પશ્ચિમ બંગાળના અખિલ ભારતીય ઈમામ સંઘના જીલ્લા અધ્યક્ષ તરીકે પોતાને ઓળખાવતા આ વ્યક્તિએ પોતાનો એક વિડીયો મેસેજ ધમકી સાથે રિલીઝ કર્યો છે. જેમાં તેને એવુ કહ્યું હતું કે જો ચુકાદો અમારા પક્ષમાં હશે તો કોઈ કાર્યવાહી નહી કરીએ. શાંતિપૂર્ણ રહેશું.
પણ જો ચુકાદો વિરુદ્ધમાં આવશે તો અમો ચૂપ બેસી રહેશુ નહી. રસ્તા અને શેરીઓ કાયમ માટે જામ કરી દેશું. ટ્રેનો રોકી લેશું. બંગાળ જ નહી આખા ભારતને ઠપ્પ કરી દેશું.