દક્ષિણ ગુજરાતમાં વલસાડની એક 14 વર્ષીય સગીરા કે જે ખુદ તેના પાડોશી દ્વારા જ દુષ્કર્મનો ભોગ બની , 26 સપ્તાહથી વધુનો ગર્ભ ધરાવી રહી હતી,
જસ્ટિસ જે.સી.દોશીએ મેડિકલ બોર્ડના રિપોર્ટને ધ્યાનમાં લઇ સગીરાના ગર્ભના ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતો હુકમ કર્યો હતો

દક્ષિણ ગુજરાતમાં વલસાડની એક 14 વર્ષીય સગીરા કે જે ખુદ તેના પાડોશી દ્વારા જ દુષ્કર્મનો ભોગ બની હતી અને 26 સપ્તાહથી વધુનો ગર્ભ ધરાવી રહી હતી, તેને ગર્ભપાત કરાવવા ગુજરાત હાઇકોર્ટે એક અગત્યના હુકમ મારફતે મંજૂરી આપી હતી.
જસ્ટિસ જે.સી.દોશીએ મેડિકલ બોર્ડના રિપોર્ટને ધ્યાનમાં લઇ સગીરાના ગર્ભના ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતો હુકમ કર્યો હતો. મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી અમેન્ડમેન્ટ બીલની જોગવાઇ હેઠળ સામાન્ય સંજોગોમાં 24 સપ્તાહ સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી હોય છે પરંતુ પ્રસ્તુત કેસની ગંભીરતા અને હકીકતો ધ્યાનમાં લઈને હાઈકોર્ટે ઉપરોક્ત આદેશ કર્યો હતો.
હાઇકોર્ટના આદેશ મુજબ વલસાડની સિવિલ હોસ્પિટલના ત્રણ સિનિયર મોસ્ટ ગાયનેકોલોજીસ્ટ, સાયકોલોજીસ્ટ સહિતના નિષ્ણાત તબીબની ટીમ દ્વારા ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.
વલસાડની 14 વર્ષીય સગીરાના વાલી તરફથી કરાયેલી રિટ અરજીમાં હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, 14 વર્ષીય સગીરાને ખુદ તેના પાડોશી આરોપીએ જ તેની કુમળી વય અને માનસિકતાનો ગેરલાભ ઉઠાવી તેને દુષ્કર્મનો ભોગ બનાવી હતી, જેના કારણે તે ગર્ભવતી બની હતી.
જો કે, પીડિતાની માનસિક, સામાજિક અને શારીરિક સ્થિતિ અને સંજોગોને જોતાં તેણી બાળકને જન્મ આપવા ઇચ્છતી નથી અને ગર્ભપાત કરાવવા માંગે છે. પીડિતા એક પછાત વિસ્તારમાંથી આવે છે અને તેને પ્રેગનન્સી કે તેના એડવાન્સ સ્ટેજ વિશે કંઇ ખબર પણ નથી.
હાઇકોર્ટે પીડિતાની મેડિકલ તપાસનો વિગતવાર રિપોર્ટ મેડિકલ બોર્ડ પાસેથી મંગાવ્યો હતો. જેમાં પીડિતાની ગર્ભપાત માટે શારીરિક અને માનસિક રીતે સજ્જ હોવાની વાત સામે આવી હતી.
જો તે બાળકને જન્મ આપે તો તેમાં ઘણા જોખમ અને દહેશત હોવાનો અભિપ્રાય પણ વ્યકત કરાયો હતો. પીડિતા અને તેના પરિવારની મનોદશા, માનસિક આઘાત અને સંજોગો ધ્યાનમાં લઇ જસ્ટિસ જે.સી.દોશીએ આખરે 14 વર્ષીય સગીર પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી.