અમદાવાદ વિમાની મથકે 37 લાખનું સોનું ઉપરાંત 37 કરોડનું ડ્રગ્સ ઝડપાયું ,
બે મહિલા બે પુરૂષ છ ટ્રોલીમાં ફુડ પેકેટના નામે હાઈડ્રોપોનીક વીડ સાથે ગ્રીન ચેનલ પસાર કરવા ગયા

સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પરથી મંગળવારે કસ્ટમ અને DRIએ જોઈન્ટ ઓપરેશનમાં બેગકોંકથી આવેલાં બે પુરુષ અને બે મહિલા પેસેન્જર પાસેથી રૂ. 37 કરોડની કિંમતનું 37 કિલો હાઇડ્રોપોનીકવીડ પકડી પાડ્યું છે.
જ્યારે અન્ય એક બનાવમાં જેદ્દાહથી આવેલી મહિલા પેસેન્જર તેના રેકેટમાં છૂપાવેલી બે કેપસ્યુલમાંથી રૂ. 37 લાખનું ગોલ્ડ સ્મગલિંગ કરતી ઝડપાઈ ગઈ છે. 37 કિલો હાઇડ્રોપોનીક વીડના સ્મગલિંગનાં કેસમાં DRIએ ચારેય પેસેન્જરની ધરપકડ કરી છે.
એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ, SVPIA પર મંગળવારે ગોલ્ડ અને ડ્રગ્સ સ્મગલિંગનાં વધુ બે કેસ નોંધાયા છે. મંગળવારે વહેલી સવારે થાઈ એરવેઝની ફ્લાઈટ નંબર TG 343 બેંગકોક-અમદાવાદમાં આવેલા કેટલાક પેસેન્જરોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી.
કસ્ટમ અને DRIના ઓફિસરો બાતમીને આધારે ચેકિંગ કરી રહ્યાં હતા ત્યારે બે મહિલા અને બે પુરુષ પેસેન્જરની 6 ટ્રોલીનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે સંખ્યાબંધ ફુડ પેકેટ્સ મળ્યાં હતાં. બેંગકોકથી આવેલાં ચારેય પેસેન્જર પાસે આટલી મોટી સંખ્યામાં ફૂડ પેકેટ મળતા કસ્ટમ અને DRIના અધિકારીઓની શંકા વધુ દ્રઢ બની હતી.
આ પેકેટ્સ ખોલતાં તેમાંથી નમકીનને બદલે હાઇડ્રોપોનીક વીડ જેવું નશીલું દ્રવ્ય હોવાનું લાગતા ફોરેન્સિક એક્સપર્ટને બોલાવાયા હતાં. જેમણે આ દ્રવ્યોનું ફોરેન્સિક એનાલિસિસ કરતાં હાઈડ્રોપોનીક વીડ હોવાનું સાબિત થયું હતું. જેનું વજન 37 કિલો થયું હતું.
કસ્ટમના સૂત્રો જણાવે છે કે, આ હાઈડ્રોપોનીક વીડની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કરોડ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ છે. આમ, આ ચારેય પેસેન્જર પાસેથી રૂ. 37 કરોડનું હાઈડ્રોપોનીક વીડ પકડાયું હતું.
મહિલા અને પુરુષ પેસેન્જરોની પૂછપરછમાં તેઓ મૂળ અમૃતસરના રહેવાસી છે, પરંતુ તેઓ અમૃતસરને બદલે અમદાવાદ એરપોર્ટ ઉપર કેમ આવ્યા હતા તેનો યોગ્ય જવાબ આપી શક્યા નહોતા. આથી આ ચારેય પેસેન્જરો અમદાવાદમાં કોઈને આ નશીલા દ્રવ્યોની ડિલિવરી આપવાના હોય તેમ તપાસ એજન્સીના અધિકારીઓનું માનવું છે. DRI આ ચારેય પેસેન્જરની ધરપકડ કરી છે.
અન્ય એક બનાવમાં મંગળવારે ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ નંબર 6E 76માં જેદ્દાહથી અમદાવાદ એરપોર્ટ આવેલી 35થી 40 વર્ષની મહિલાની હિલચાલ શંકાસ્પદ લાગતાં કસ્ટમ ઓફિસરોએ તેને રોકી પૂછપરછ કરી હતી. મૂળ કર્ણાટકના ભટકલની રહેવાસી મહિલાનો લગેજ ચેક કરતા તેમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નહોતું.
જોકે, મહિલાની શારીરિક તપાસ કરતા તેણે તેના રેકેટમાં બે સોનાની કેપ્સ્યૂલ છૂપાવી હોવાની કબૂલાત કરી હતી. આ કેપ્સ્યૂલનું વજન 416 ગ્રામ હતું, જેની કિંમત રૂ. 37.26 લાખ થવા જાય છે. કસ્ટમ ઓફિસરોએ સોનું જપ્ત કરી મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી સહિતની તમામ હકીકતોની તપાસ હાથ ધરી છે.