રાજૌરી, ઉરી સહિતના ક્ષેત્રોની બોર્ડર પર આખીરાત ભારત-પાક સૈન્ય વચ્ચે ભીષણ ગોળીબાર-તોપમારો 10 ભારતીય નાગરિકોના મોત ,
પાકે નાગરિક વિસ્તારોને નિશાન બનાવતા વળતો આકરો જવાબ

ભારતના પાકિસ્તાન પર ઓપરેશન સિંદુર વચ્ચે કાશ્મીરની અંકુશ રેખાઓ પર બન્ને દેશોનાં સૈન્યદળો વચ્ચે ધણધણાટી વકરી હતી તેમાં 10 ભારતીય નાગરીકોનાં મોત થયા હતા અને 20 જેટલા ઘાયલ થયા હતા. ગોળીબાર-તોપમારાની ધણધણાટીથી ભયભીત લોકો બંકરોમાં આશરો લેવા માંડયા હતા.
ભારતે પાક પર 1971 પછીનો સૌથી મોટો હુમલો કર્યાને પગલે વાસ્તવિક અંકુશ રેખાએ પાકિસ્તાની સૈન્ય ઉશ્કેરાયુ હોય તેમ બેફામ ગોળીબાર તોપમારો કર્યો હતો, પુંછ, રાજૌરી તથા ઉરી ક્ષેત્રમાં નાગરીકોનો વસવાટ ધરાવતાં ક્ષેત્રોને પણ નિશાન બનાવાયા હતા.
પાક સૈન્યનાં ગોળીબાર-તોપમારામાં અનેક મકાનોને નુકશાન થયુ હતું. ઉપરાંત અનેક વાહનો પણ સળગી ગયા હતા. ઉતરીય કાશ્મીરનાં તંગધારમાં નિયંત્રણ રેખા નજીક કાશ્મીરી નાગરીકોને નિશાન બનાવાયા હતા એક મકાન સળગીને ખાક થઈ ગયુ હતું.
પહેલગામ હુમલા બાદ છેલ્લા 13 દિવસથી સારો ગોળીબાર ચાલુ જ હતો.ગઈકાલે ભારતની એરસ્ટ્રાઈક બાદ ધણધણાટી વકરી હતી. સુત્રોએ કહ્યુ કે ગઈરાત્રે વાસ્તવિક અંકુશ રેખા તથા આંતર રાષ્ટ્રીય સરહદની ચોકીઓ પરથી પાક સૈન્યએ જમ્મુ-કાશ્મીરનાં અનેક સ્થાનોએ આડેધડ ગોળીબાર કર્યો હતો. પુંછ ક્ષેત્રમાં જ અંધાધુંધ ગોળીબારમાં 10 નાગરીકોનાં મોત નીપજયા હતા જયારે 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
સરકારી સુત્રોએ કહ્યુ કે, મૃતકોમાં મહિલા પણ સામેલ છે. પાક તરફથી તોપગોળો પડતા મૃતક મહિલાનું ઘર ઝપટમાં આવી ગયુ હતું. અને તેની 13 વર્ષની દિકરી ઘાયલ થઈ હતી. પુંછના વિભિન્ન ક્ષેત્રમાં પાક ગોળીબારની ઝપટે ચડેલા અન્ય કેટલાંક નાગરીકો ઘાયલ થયા હતા.
જેઓની હાલત સ્થિર ગણાવાય છે. રાજૌરીમાં પાક ગોળીબારમાં મહિલાઓ સહીત ચાર લોકો ઘાયલ થયા હતા. ઉરી ક્ષેત્રમાં ત્રણ બાળકો સહિત 10 લોકો ઘાયલ થયા હતા અને અનેક મકાનોને પણ નુકશાન થયુ છે.
સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો બંકરોમાં આશરો લેવા માંડયા હતા. સ્થાનિક લોકોએ કહ્યું કે ગોળીબાર બેફામ હતો. લોકોએ સુરક્ષીત સ્થળોએ દોડવુ પડયુ હતું. લોકોના ઘર, મકાન, વાહનોને નુકશાન થયુ હતું.
પાકિસ્તાની ગોળીબારનો ભારતીય સૈન્યએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.આખી રાત સીમા પર ધણધણાટી ચાલૂ જ રહી હતી. આખી રાત ગોળીબારને પગલે સરહદી ક્ષેત્રોની સ્કુલ-કોલેજ સહિતની શૈક્ષણીક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી હતી.