ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચી તમામ 18 જિલ્લાના કલેક્ટરો સાથે વાત કરી ; કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ‘બ્લેક આઉટ ,
સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતના યાત્રાધામમાં સિક્યોરિટી વધારવામાં આવી : મોડી રાત્રે જામનગર, દ્વારકામાં બ્લેકઆઉટ : મુન્દ્રાનું અદાણી પોર્ટ બંધ કરાયું : કોઈ પણ પ્રકારનું કામકાજ નહીં થાય ; રાજ્યના મોટાભાગના એરપોર્ટ બંધ

ગઈકાલે 8 તારીખે મોડી સાંજથી પાકિસ્તાને તેની નાપાક હરકત ચાલુ કરી હતી અને નિયંત્રણરેખામાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી જમ્મુમાં રહેણાંક વિસ્તારો અને જમ્મુ એરપોર પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ઉત્તર અને પશ્ચિમી સરહદ વિસ્તારોમાં ભારે અવાજ પણ આવતા ગયા.
રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીરના સરહદી જિલ્લાઓમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. તમામ શહેરોમાં સાયરન વાગ્યા રહ્યા. ત્યારબાદ કરછના ભુજમાં પણ સાંજે 9 આસપાસ બ્લેક આઉટના ઓર્ડર અપાયા હતા. કચ્છના સરહદ પર ત્રણ ડ્રોન નજરે પડ્યા હતા.
અગાઉ પણ બે ડ્રોન તોડી પડાયા હતા. કચ્છની સાથે બનાસકાંઠા અને પઠાણ જિલ્લાઓમાં ઘણા ગામોમાં બ્લેક આઉટના આદેશ અપાયા હતા. પાટણ જિલ્લાના 70 જેટલા ગામો અને બનાસકાંઠાના વાવ, સુઈગામના 30 થી વધારે ગામો જે સરહદ થી નજીક છે અને સંવેદનશીલ છે તેમાં બ્લેક આઉટ અપાયા હતા.
કચ્છમાં મુન્દ્રામાં આવેલ અદાણી પોર્ટ ગઇરાત્રીએ તાત્કાલિક અસરથી બંધ કરાયું હતું. સતર્કતાના ભાગરૂપે બંધ કરાયું હતું તેવા સમાચાર પ્રાપ્ત થયા હતા. આ ઉપરાંત સોમનાથ, દ્વારકા, અંબાજી, સહિતના યાત્રાધામોમાં સિક્યોરિટી વધારવામાં આવી હતી.
ગાંધીનગર : મોડી રાત્રે દેશમાં પાકિસ્તાન દ્વારા હુમલા બાદ યુધ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને ઇમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જેમાં મંત્રી સંઘવીએ સંબંધિત જિલ્લાના કલેક્ટરો તથા જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનીક વાત કરી સ્થાનિક સ્થિતિ અંગે જાણકારી મેળવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પેનિક ન થાય તથા વિશેષ તકેદારી રાખવામાં આવે તે માટે જરૂરી સાવચેતીના પગલાં ભરવા સૂચનાઓ આપી.
આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાહત કમિશનર આલોક કુમાર પાંડે અને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના રાજકોટ, કંડલા, મુન્દ્રા, ભુજ, જામનગર, પોરબંદર, દિવ, કેશોદ એમ તમામ એરપોર્ટ કોમર્શિયલ ઉપયોગ માટે બંધ કરવાં આવ્યા છે. ફક્ત અમદાવાદ અને ભાવનગર એરપોર્ટ હાલ કાર્યરત છે તેવું જાણવા મળે છે.
હાલાર પંથક દરિયાઈ કિનારે હોવાથી હાઈ એલર્ટ મોડ પર રખાયો હતો. પાકિસ્તાન દ્વારા ગઈકાલે મોડી સાંજે પશ્ચિમી અને ઉત્તર ભારતના સરહદી વિસ્તારો પર ડ્રોન હુમલા કરાયા બાદ રાત્રે 1 કલાકે દ્વારકામાં બ્લેક આઉટના આદેશ અપાયા હતા. દરિયાઈ માર્ગે સુરક્ષાને લઈને નિર્ણય લેવાયો હતો.
જામનગર વહેલી સવારે 4.30 કલાકે બ્લેક આઉટ અપાયા હતા. ઇન્ડિયન એર ફોર્સના ઇનપુટ બાદ તંત્ર દ્વારા ઓર્ડર અપાયા હતા. જામનગરમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કરાયો હતો તેવા સમાચાર ફરી રહ્યા હતા પણ કોઈ ડ્રોન હુમલાનો પ્રયાસ થયો નહોતો તેવું જાણવા મળે છે.