ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ, વિશ્વના 150થી વધુ દેશોમાંથી હજારો લોકોએ કરાવી નોંધણી
હિન્દુઓ માટે ઘણી મહત્ત્વની ગણાતી એવી ચારધામ યાત્રાની શરૂઆત આ મહિનાથી થઈ ગઈ છે. તેના ઓનલાઈન અને ઓફલાઇન રજીસ્ટ્રેશન પણ એપ્રિલના છેલ્લા દિવસોમાં ચાલુ કરી દેવાયા હતા

હિમાચલ પ્રદેશમાં સ્થિત કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી ધામ સિવાય હેમકુંડ સાહેબની યાત્રા માટે પૂરી દુનિયામાં ઉત્સાહ છે. પર્યટન વિભાગે ચારધામની યાત્રાના રજીસ્ટ્રેશનના આંકડા જાહેર કર્યા છે.
દુનિયાના ખૂણે-ખૂણેથી લોકો ચારધામ યાત્રાના ભાગ લેવા માટે ઇચ્છુક છે. રજીસ્ટ્રેશનનો આંક 28 લાખને ક્રોસ કરી ગયો છે. જેમાં 150 થી વધારે દેશોના 31581 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં યુએસ, નેપાળ, મલેશિયા, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડાના સૌથી વધુ યાત્રીઓ છે.
જેમાંથી નેપાળના 5728, યુએસએના 5864, યુકે 1559, મોરેશિયસ 837, ઈન્ડોનેશિયા 327, કેનેડા 888, ઓસ્ટ્રેલિયા 1259 સહિત અન્ય 150 થી વધુ દેશના યાત્રીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. યાત્રા નોંધણી નોડલ અધિકારી યોગેન્દ્ર ગંગવારે જણાવ્યું હતું કે વિશ્વના દરેક દેશમાંથી લોકો ચારધામ યાત્રામાં હાજરી આપવા માટે નોંધણી કરાવી રહ્યા છે
ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઈ છે. 14 મે સુધીમાં 7.18 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી ચૂક્યા છે. ઓનલાઈન નોંધણી માટે સ્લોટ ઉપલબ્ધ ન હોવાને કારણે ઓફલાઈન નોંધણીઓની સંખ્યા વધી રહી છે. હરિદ્વાર, ઋષિકેશ, હર્બર્ટપુર, વિકાસનગરમાં એક દિવસમાં 18 હજારથી વધુ નોંધણીઓ થઈ રહી છે.
વિદેશથી ચારધામ માટે રજીસ્ટ્રેશનના આંકડા
ધામ રજીસ્ટ્રેશન
- કેદારનાથ 11576
- બદ્રીનાથ 9320
- ગંગોત્રી 5542
- યમુનોત્રી 4869
- હેમકુંડ સાહિબ 274
જો તમે કોઈ બીમારીથી પીડિત હોવ તો તમારી જરૂરી દવાઓ વધુ માત્રામાં રાખો. આ સિવાય તમારી સાથે કેટલીક જરૂરી દવાઓ રાખો, જેમાં પેઇનકિલર્સ, ઝાડાની દવાનો સમાવેશ થાય છે. તમને રસ્તામાં તબીબી સહાય મળશે, પરંતુ તે મર્યાદિત હોય છે, તેથી તમારી દવાઓ તમારી સાથે રાખવાની સલાહ આપવામાં આવે છે.
કોઈપણ ધાર્મિક સ્થળની મુલાકાત લેતી વખતે આદરપૂર્ણ અને શિસ્તબદ્ધ વર્તન જાળવવું મહત્વનું છે. ધીમેથી બોલો અને મંદિરના અધિકારીઓ અથવા સુરક્ષા દળો દ્વારા નક્કી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરો, તે તમારા પોતાના ભલા માટે હોય છે. આ સિવાય જરૂરિયાતમંદોને મદદ કરો, આરતી જેવા પવિત્ર ધાર્મિક વિધિઓ દરમિયાન મૌન રહો અને લાઈનમાં રાહ જોતી વખતે ધીરજ રાખો. શિસ્તનો આદર કરો. ઘણા મંદિરોમાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફીની મંજૂરી નથી હોતી તેથી નિયમો જાણો અને તેનું પાલન કરો. શાલિન પોશાક પહેરો અને પર્વતો પર કચરો નાખવાનું કે પ્લાસ્ટિકની બોટલો ફેંકવાનું ટાળો.
ચાર ધામના બધા યાત્રાળુઓ માટે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન હવે ફરજિયાત છે, તેથી આધાર અથવા પાન કાર્ડ જેવા માન્ય ઓળખ પુરાવા, દસ્તાવેજોની નકલ અને બુકિંગ કન્ફર્મેશન સાથે રાખવાનું ભૂલશો નહીં. ખાસ કરીને જો તમે કેદારનાથ જઈ રહ્યા છો તો વધુ સાવચેત રહો. નકલી હેલિકોપ્ટર બુકિંગના કિસ્સાઓ દરરોજ પ્રકાશમાં આવતા રહે છે, તેથી ચકાસાયેલ ન હોય તેવા એજન્ટોને પેમેન્ટ કરવાનું ટાળો. હંમેશા સત્તાવાર અથવા સરકાર દ્વારા માન્ય ચેનલો દ્વારા તમારી મુસાફરી અને રહેઠાણ યોજનાઓની પુષ્ટિ કરો.
પહાડી વિસ્તારોમાં વીજળી અને મોબાઇલ નેટવર્ક કવરેજ ખૂબ ઓછું હોય છે. પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે તમારા મોબાઇલ ફોનને ચાર્જ રાખવા માટે પાવર બેંક સાથે રાખો. તડકાવાળા વિસ્તારોમાં, તમે તમારા મોબાઇલ ફોનને ચાર્જ કરવા માટે સનશેડ અથવા પોર્ટેબલ સોલાર પેનલનો ઉપયોગ કરી શકો છો. ખરાબ હવામાન નેટવર્ક કવરેજને વિક્ષેપિત કરી શકે છે આથી હવામાન ચેતવણીઓથી વાકેફ રહો. જો નેટવર્ક કવરેજ નબળું હોય તો બેટરી ઝડપથી ખતમ ન થાય તે માટે એરપ્લેન મોડનો ઉપયોગ કરો. જો તમે એકલા મુસાફરી કરી રહ્યા હોવ તો હંમેશા તમારા રૂટ અને અપેક્ષિત સમય વિશે કોઈ વિશ્વસનીય વ્યક્તિને જાણ કરવાનું ભૂલશો નહીં. ફક્ત તમારા ફોન પર આધાર રાખશો નહીં, સુરક્ષિત રીતે નેવિગેટ કરવા માટે બેકઅપ તરીકે ભૌતિક નકશો અથવા વિશ્વસનીય ગાઈડબુક પણ રાખો.
મંદિરમાં કે તેની આસપાસ નાચતા કે મોટેથી સંગીત વગાડવાનું ટાળો. આ ગતિવિધિ સ્થળની દિવ્ય શાંતિને ખલેલ પહોંચાડી શકે છે અને અન્ય ભક્તોનો અનુભવ બગાડી શકે છે. પણ મંદિરના રસ્તે ભક્તિ અને એનર્જી વધારનારા ગીતો વગાડવુ એક સારો વિચાર હોઈ શકે છે કારણ કે માર્ગ પર ચાલતા દરેક વ્યક્તિને ઊર્જાની જરૂર હોય છે. પરંતુ જ્યારે તમે મંદિર પરિસરમાં હોવ ત્યારે માર્ગદર્શિકાનું પાલન કરો અને તેનો આદર કરો. જો પરવાનગી ન મળે તો ફોટોગ્રાફ્સ ન લો.