પહેલગામમાં ધર્મ પૂછીને હિન્દુ પ્રવાસીઓને નિર્દયી અને ક્રુર રીતે ગોળી ધરબીને હત્યા કરનારા ત્રાસવાદી આસિફ હણાયો ,
પ્રાલમાં એન્કાઉન્ટરમાં વધુ 3 ત્રાસવાદી ઠાર તેમાં એક પહેલગામ હુમલામાં સામેલ આસિફ શેખ હોવાનો ખુલાસો: અન્ય બે પણ ખૂંખાર 14 આતંકીનાં લીસ્ટમાં હતા

પહેલગામમાં ધર્મ પૂછીને હિન્દુ પ્રવાસીઓને નિર્દયી અને ક્રુર રીતે ગોળી ધરબીને હત્યા કરનારા ત્રાસવાદીઓ સામે સૌથી મોટો સીદો બદલો લેવામાં આવ્યો હોય તેમ ચારમાંથી આસીફ શેખ નામના એક ત્રાસવાદીનો ખાત્મો કરી નાખવામાં આવ્યો છે.
કાશ્મીરનાં અનંતિપોરાનાં પ્રાલમાં સૈન્યનાં ઓપરેશનમાં ત્રણ ત્રાસવાદીઓનો ખાત્મો કરાયો હતો જેમાં એક આતંકવાદી પહેલગામમાં પ્રવાસીઓની હત્યા કરનાર હતો. ભારતીય સૈન્યદળોને આજે ડ્રોન મારફત મોનીટરીંગ દરમ્યાન ત્રણ ત્રાસવાદીઓ નજરે ચડયા હતા. અને તે સાથે જ પ્રાલમાં ઘેરો નાખવામાં આવ્યો હતો.છટકી ન શકે તેની ખાસ તકેદારી સાથે ઓપરેશન શરૂ થયુ હતું.
સામસામા ગોળીબાર વચ્ચે ત્રણેય ત્રાસવાદીને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. સૈન્ય સાથેનાં એન્કાઉન્ટરમાં ઠાર થયેલા ત્રણ ત્રાસવાદીના નામ જાહેર કરાયા હતા તેમાં આસીફ શેખ, આમીર નજીર વાની અને યાવર અહમદ બટનો સમાવેશ થાય છે.
અંગ્રેજી ટીવી ચેનલ ‘ટાઈમ્સ નાઉ’ના રીપોર્ટ મુજબ ત્રણ પૈકીનો આસીફ શેખ પહેલગામ એન્કાઉન્ટરમાં સામેલ હતો. ધર્મ પૂછીને અને હિન્દુ પ્રવાસીઓને કલમા પઢવાનું કહીને ઓળખ મેળવવાનો પ્રયાસ કરનાર આજ આતંકવાદી હતો.સૈન્યનાં સુત્રોએ કહ્યું કે આસીફ જૈશ-એ-મોહમ્મદનો ટોચનો કમાંડર હતો.
પહેલગામ હુમલામાં ચાર ત્રાસવાદી સામેલ હતા અને તેઓની શોધખોળ ચલાવવામાં આવી જ રહી છે. તે દરમ્યાન આજે કાલ એન્કાઉન્ટરમાં તેનો ખાત્મો થતા સૌથી મોટી સફળતા ગણવામાં આવે છે.
સુત્રોએ એમ પણ કહ્યું કે, ઠાર થયેલા બીજા બે આંતકવાદીનાં નામ પણ પહેલગામ હુમલા બાદ સરકારે જે 14 ખુંખાર ત્રાસવાદીનું લીસ્ટ જાહેર કર્યું હતુ તેમાં સામેલ હતા. જોકે સૈન્ય કે સરકાર દ્વારા હજુ તેની પુષ્ટિ કરવામાં આવી નથી.
સૈન્ય દ્વારા 48 કલાકમાં બે એન્કાઉન્ટરમાં 6 ત્રાસવાદીઓને ઢાળી દેવામાં આવ્યા છે. ગઈકાલે શોપિયામાં ત્રણ આતંકીને ઠાર કરાયા હતા.