ભાજપ ડેમેજ કંટ્રોલના મોડમાં : મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ સામે ગમે તે ઘડીએ એકશન ,
નડ્ડા સુધી રજુઆત પહોંચી : હાઇકોર્ટના ગંભીર વલણની પણ નોંધ લેવાઇ ,

મધ્યપ્રદેશ ભાજપના મહામંત્રી વિજય શાહએ ભારતીય સેનાના કર્નલ સોફીયા કુરેશી સામે જે કંઇ વાંધાજનક વિધાનો કર્યા તેમાં લાંબા સમય સુધી મૌન સેવ્યા બાદ ભાજપ હવે ડેમેજ કંટ્રોલ કરી રહી હોવાના સંકેત છે.
ગત સપ્તાહે મધ્યપ્રદેશ ભાજપનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચ્યુ હતું અને જે રીતે મંત્રી વિજય શાહે વિધાનો કર્યા છે તેની સામે રાજયમાં ભારે આક્રોશ હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પક્ષ પ્રમુખ જે.પી.નડ્ડાએ મધ્યપ્રદેશ ભાજપના પ્રમુખ પાસે પૂરો રીપોર્ટ માંગ્યો છે અને આગામી એક કે બે દિવસમાં મંત્રી પાસે પગલા લેવાઇ તેવી ધારણા છે. અગાઉ પણ તેઓ આ પ્રકારના વિધાનમાં સંડોવાયેલા હતા.
મધ્યપ્રદેશ હાઇકોર્ટે સમગ્ર રીતે આ વિધાનોની ગંભીર નોંધ લીધી છે. ભાજપના અત્યાર સુધીના મૌન સામે પ્રશ્ન સર્જાયા છે. એક તરફ તિરંગા યાત્રા, બીજી તરફ સૈન્યના અધિકારીઓનું અપમાન બંનેથી હવે ભાજપ માટે વિજય શાહ સામે પગલા લેવા માટે મજબુર બનવું પડે તેવી શકયતા છે.
બીજી તરફ અગાઉ પણ તેઓએ રાજયના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણના પત્ની અંગે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો ત્યારે તેમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા ફરી એ જ નિર્ણય લેવાય તેવી શકયતા છે.