રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી ; 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
નોંધનીય છે કે, બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે ગુરૂવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે.
મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો કડાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના ક્વાંટ, નર્મદાના નાંદોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું 24થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે.
ભારે પવન સાથે વરસાદે દક્ષિણ ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતોને પાયમાલ કર્યા હતા. ભારે પવન સાથે વરસાદથી આંબા પરથી અસંખ્ય કેરીઓ ખરી પણ ગઈ છે. જેને કારણે કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. કેસરનો ભાવ એક જ દિવસમાં 400 રૂપિયા સુધી ગગડી 1100 આસપાસ થઈ ગયો છે. જ્યારે રાજાપુરીનો ભાવ 200 રૂપિયા સુધી ઘટી 600 આસપાસ છે. ખેડૂતોએ આ વર્ષે સારા પાકની આશા રાખી હતી. પણ આ અચાનક બદલાયેલા વાતાવરણથી ખેડૂતોની મહેનત વ્યર્થ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને લગભગ 30થી 40 ટકા સુધી નુકસાન થયું હોવાનો ખેડૂતોનો દાવો છે.