ગુજરાતમાં હોમલોન લેનારાની સંખ્યામાં ઘટાડાની સાથોસાથ બેંકોમાં ડિપોઝીટ – વૃદ્ધિદર માત્ર 6.7 ટકા : છ વર્ષના નીચલા સ્તરે ,
અમદાવાદમાં યોજાયેલી સ્ટેટ લેવલ બેંકસ કમીટીમાં પેશ થયેલા રિપોર્ટ મુજબ નાણાંકીય વર્ષ 2025માં બેંક ડીપોઝીટ વૃદ્ધિદર 6.71 ટકાના સ્તરે નીચે આવી ગયો છે તે ગત વર્ષે 15.4 ટકા હતો.

ગુજરાતમાં હોમલોન લેનારાની સંખ્યામાં ઘટાડાની સાથોસાથ બેંકોમાં મુકાતી થાપણનો વૃદ્ધિદર પણ ધીમો પડયો છે. ઈન્વેસ્ટરો રોકાણના અન્ય વિકલ્પો તરફ આકર્ષિત થયા હોવાથી બેંકોનો ડીપોઝીટ વૃદ્ધિદર છ માસના નીચા સ્તરે આવી ગયો છે.
અમદાવાદમાં યોજાયેલી સ્ટેટ લેવલ બેંકસ કમીટીમાં પેશ થયેલા રિપોર્ટ મુજબ નાણાંકીય વર્ષ 2025માં બેંક ડીપોઝીટ વૃદ્ધિદર 6.71 ટકાના સ્તરે નીચે આવી ગયો છે તે ગત વર્ષે 15.4 ટકા હતો. ગુજરાતીઓ બેંકોમાં થાપણ મુકવાના બદલે રોકાણના અન્ય વિકલ્પો તરફ ઢળી ગયાનુ મનાય છે.
પરંપરાગત ફીકસ્ડ કે રિકરીંગ ડીપોઝીટને બદલે મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઈપી, શેરબજારમાં સીધા રોકાણ અથવા સોના-ચાંદી જેવા રોકાણ પસંદ કરવા લાગ્યા છે.
કમીટીના અધિકારીએ કહ્યું કે શેરબજારમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન ધરખમ રિટર્ન મળ્યુ છે અને તેને કારણે સંપતિ સર્જન માટે લોકોની માનસિકતામાં બદલાવ છે. આ કારણે બેંક ડિપોઝીટ પર મળતા વ્યાજ તરફ કોઈ ખાસ આકર્ષણ રહ્યુ નથી.
31 માર્ચ 2025ની સ્થિતિએ ગુજરાતની બંકોમાં કુલ ડિપોઝીટ 13.26 લાખ કરોડ હતી જે એક વર્ષ અગાઉ 12.42 લાખ કરોડ હતી. અર્થતંત્રના વધતા વ્યાપને ધ્યાને લેતા આ વૃદ્ધિદર સાવ મામુલી ગણી શકાય તેમ છે.
ગુજરાતમાં આ પુર્વે નાણાંકીય વર્ષ 2019માં 5.2 ટકાનો સૌથી મામુલી ડિપોઝીટ વૃદ્ધિદર જોવાયો હતો. ખાનગી ક્ષેત્રની બેંકોમાં પણ ડિપોઝીટ વૃદ્ધિદર ઘટીને 6.36 ટકા જ રહ્યો છે.
નાણાંકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં લીકવીડીટીની સમસ્યા જોવા મળી હતી. આ સમય દરમ્યાન શેરબજારમાં મંદીરૂપી કરેકશન સર્જાતા આ સ્થિતિ સર્જાઈ હતી. આ વખતે માત્ર લોકો ફરી બેંક ડિપોઝીટ પરત પાછા વળ્યા હતા.
ખાનગી બેંકના સીનીયર અધિકારીએ કહ્યું કે, અત્યંત સુરક્ષિત રોકાણ પસંદ કરતા ઈન્વેસ્ટરો પણ અમુક અંશે બેંક ડિપોઝીટને બદલે ઉંચુ રિટર્ન આપતા સોનામાં રોકાણ કરવા તરફ આકર્ષિત થયાનુ મનાય છે.
થાપણ વૃદ્ધિદર ઘટવાની સાથોસાથ ધિરાણમાં કોઈ વધારો ન હોવાથી બેંકો પણ ચિંતામાં છે. એમએસએમઈ, કૃષિ જેવા પ્રાયોરિટી સેકટરમાં ધિરાણ દર સ્થિર અથવા ધીમો પડયો હોવાનુ જણાવ્યુ હતું.
બેઠકમાં લોકોને બેંક ડિપોઝીટ તરફ આકર્ષિત કરવા માટે રણનીતિ ઘડવાની જરૂરિયાત પર પણ ભાર મુકવામાં આવ્યો હતો.