ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર આવી ગયા છે. ચૂંટણી પંચ દ્વરા આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર, 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તો 9 જૂન સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે. 22 જૂને મતદાન થશે અને 25 જૂને મત ગણતરી કરવામાં આવશે.

આખરે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખોની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં 8240 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો આવી ગઈ છે. ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર, 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તો 9 જૂન સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે. 22 જૂને મતદાન થશે અને 25 જૂને મત ગણતરી કરવામાં આવશે. જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હશે 11 જૂન.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડિંગ હતી. ત્યારે હવે OBC અનામત મુદ્દે અટકી પડેલી ચૂંટણીનો માર્ગ મોકળો થશે. દોઢ વર્ષ પછી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.
અગાઉ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આખરી મતદાર યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. આયોગે જિલ્લા ચૂંટણી અધિકારીને મતદારયાદી તૈયાર કરવા સૂચના આપી હતી. આ માટે તેમને 19 મે સુધીમાં યાદી તૈયાર કરીને સુપરત કરવાની સુચના અપાઈ હતી. વિધાનસભાની મતદાર યાદી પરથી ગ્રામ પંચાયતની યાદી તૈયાર કરવા સૂચના અપાઈ હતી.
ગુજરાતમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણી બાદ, OBC અનામત મુદ્દે ગ્રામ પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીઓ અટકી પડી હતી, ત્યારે હવે આ ચૂંટણી કરાવવાનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય ચૂંટણી આયોગે અગાઉ તમામ જિલ્લા કલેકટરોને ચૂંટણીને લઈને એલર્ટ થઈ જવાની સૂચના આપી હતી. હવે મળતી માહિતી અનુસાર, 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ રહી છે, એ તમામ 8240 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે.
અગાઉ ચૂંટણી પંચે તમામ જિલ્લા કલેકટરો, પ્રાંત અધિકારીઓને પત્ર લખીને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા આદેશ કર્યો હતો. આ પત્રમાં મતદાન મથકો મંજૂર કરવા અને તેની ચકાસણી કરીને પ્રમાણપત્રો મેળવી લેવા માટે આદેશો આપવામાં આવ્યા હતા. સાથે જ ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારી તરીકે નાયબ મામલતદારો, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ તેમજ ચૂંટણી કામગીરીના અનુભવી કર્મચારીની નિયુક્તિ કરવા માટેના આદેશો પણ આપ્યા હતા.